સુરત-

સુરત ક્રાઈમ બ્રાંચના સ્ટાફને માહિતી મળી હતી કે આમર્સ એક્ટ અને લુંટના ગુનામાં વોન્ટેડ આરોપી તેના વતન ઉતરપ્રદેશના બદલાપુર ગામ ખાતે ફરી રહ્યો છે. બાતમીના આધારે સુરતથી પોલીસની એક ટીમ રવાના થઇ હતી અને બાતમીના આધારે આરોપી સીતારામ રામદેવ ઉર્ફે નનકુ મોર્યાને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે વર્ષ 2001માં તે સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં રહીને લુમ્સના કારખાનામાં મજુરી કામ કરતો હતો. ત્યારે તેના સાગરિત મોહમદ હારૂન બરકતઅલી શેખ સાથે મળી ગત તારીખ 8 ઓગસ્ટ 2001ના રોજ પાંડેસરા વિસ્તારમાં બે ઈસમોને લમણે તમંચો મૂકી બે સોનાની ચેઈન અને રોકડા રૂપિયા મળી કુલ 26 હજારની લુંટ કરી હતી.આ મામલે પાંડેસરા પોલીસ મથકમાં આમર્સ એક્ટ અને લુંટનો ગુનો નોંધાયો હતો. જેથી પોતાની ધરપકડ ટાળવા તે પોતાના ગામ ફરાર થઇ ગયો હતો. જો કે આખરે 19 વર્ષ બાદ આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.