સુરત-

ઓલપાડના પિંજરત ગામના એક ફાર્મ હાઉસમાંથી મોરબી પોલીસ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોટી માત્રામાં નકલી રેમડેસીવીર બનાવવાનું કારખાનું ઝડપી લીધું હતું અને મોટા જથ્થાનો કબ્જો લીધો હતો. જોકે આ રેકેટના માસ્ટર માઈન્ડ કૌશલ વોરાએ જેને નકલી રેમડેસીવીર ઇન્જેક્શન વેચ્યા હતા. તેને સુરત ક્રાઈમ બ્રાન્ચે અડાજણ પરશુરામ ગાર્ડન પાસે સી.એમ. રેસીડેન્સી પાસેથી ઝડપી લીધો હતો. તેની પાસેથી પોલીસને આઠ નકલી ઇન્જેક્શન મળી આવ્યા હતા. મોરબીમાંથી નકલી રેમડેસીવીર ઇન્જેક્શન પકડ્યા બાદ તેની તપાસનો રેલો અમદાવાદના જુહાપુરા અને તે પછી સુરતના ઓલપાડ તાલુકાના પિંજરત ગામના એક ફાર્મ હાઉસ સુધી પહોંચ્યો હતો.

પોલીસે ત્યાં દરોડો પાડ્યો તો, નકલી રેમડેસીવીર ઇન્જેક્શન બનાવવાનું કારખાનું જ મળી આવ્યું હતું. ગ્લુકોઝના પાણીમાં મીઠું નાખી નકલી રેમડેસીવીર ઇન્જેક્શન બનાવવામાં આવતા હતા. પોલીસે મોટી માત્રામાં નકલી ઇન્જેક્શનનો જથ્થો, સ્ટીકર, બોટલો, ગ્લુકોઝ પાવડરની બેગો અને કાર, મોબાઈલ, ફોન, લેપટોપ, વજન કાંટા મળી કુલ રૂપિયા 2.73 કરોડ કબ્જે લીધા હતા. 6 વ્યક્તિની ધરપકડ કરી હતી. આ રેકેટમાં માસ્ટર માઈન્ડ અડાજણનો કૌશલ વોરા હતો. રત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઇન્જેક્શન કોભાંડ ઉપર બાજ નજર રાખવામાં આવતી હતી. જો કે આ વચ્ચે જ સુરત ક્રાઇમ બ્રાન્ચ ને વધુ એક સફળતા મળી છે. પોલીસ દ્વારા અડાજણ વિસ્તારમાં રેહતા જયદેવસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેની પાસેથી 8 ઇન્જેક્શન પણ મેળવી લેવામાં આવ્યા હતા. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી અને 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.