સુરત: હાલમાં કર્ફ્યુની વિચારણા નથી, મ્યુ.કમિશનર બંછાનિધી પાની
20, નવેમ્બર 2020

સુરત-

કોરોનાના વધતા કેસ છતાંય સુરતમાં હાલ કોઈ પ્રકારનો કરફ્યુ ના લગાવવાની જાહેરાત મ્યુ. કમિશનર બંછાનિધી પાનીએ કરી છે. આજે મ્યુ. કમિશનરે શહેરના પોલીસ કમિશનર અજય તોમર સાથે મિટિંગ કરી હતી, જેમાં લોકોની ભીડ ઓછી થાય અને કોરોના કઈ રીતે કાબૂમાં લઈ શકાય તે અંગે ચચર્િ કરવામાં આવી હતી. મ્યુ. કમિશનરે જણાવ્યું હતું કે, હાલ સુરતમાં કોઈ કરફ્યુ નહીં આવે, પરંતુ લોકો માસ્ક પહેરે તે ખૂબ જ જરુરી છે.

હાલ સમગ્ર ગુજરાતમાં અમદાવાદ બાદ સુરતમાં સૌથી વધુ નવા કેસો રોજેરોજ સામે આવી રહ્યા છે. વળી, એક્ટિવ કેસની સંખ્યામાં પણ સુરત અમદાવાદ બીજા ક્રમે આવે છે. સુરતમાં પરપ્રાંતિયો તેમજ ગુજરાતના અન્ય હિસ્સામાં રહેતા લોકોની સંખ્યા પણ મોટી હોવાથી શહેરમાં કાયમ મોટાપાયે અવરજવર પણ રહેતી હોય છે. શહેરના ટેક્સ્ટાઈલ અને ડાયમંડ માર્કેટ પણ દિવાળીના વેકેશન બાદ ખૂલી ગયા છે, ત્યારે કોરોના પ્રસરે નહીં તે માટે સાવચેતી વધુ જરુરી બની છે. 

અમદાવાદમાં કોરોનાને નિયંત્રણમાં કરવા ફરી સરકારે દોડધામ શરુ કરી દીધી છે, ત્યારે સુરત તેમજ રાજકોટમાં પણ અમદાવાદની માફક નાઈટ કરફ્યુ અમલી બનાવાશે તેવી જોરદાર અટકળો શરુ થઈ હતી. સુરતમાં કરફ્યુ નાખવાનો નિર્ણય કોર કમિટિમાં લેવાશે તેવું પણ મનાઈ રહ્યં હતું. જોકે, હાલ તો મ્યુ. કમિશનરે આવું કોઈપણ પગલું લેવાનો ઈનકાર કરી દીધો છે. સુરત જિલ્લામાં ગઈકાલે 195 નવા કેસ નોંધાયા હતા, જ્યારે અમદાવાદમાં ગઈકાલે નોંધાયેલા નવા કેસોનો આંકડો 230 જેટલો હતો. 

આમ, અમદાવાદ અને સુરત વચ્ચે નવા કેસોની સંખ્યામાં ખાસ ફરક નથી દેખાઈ રહ્યો. વળી, અમદાવાદની સરખામણીએ સુરતમાં પ્રાઈવેટ હોસ્પિટલોની સંખ્યા પણ ઓછી છે. તેવામાં તકેદારીના ભાગરુપે હવે સુરતમાં પણ નિયંત્રણો મૂકાય તેવી શક્યતા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution