સુરત ડાયમંડ બુર્સ સીવીડી લેબગ્રોન ડાયમંડનું ગ્લોબલ હબ બનશે: હર્ષ સંઘવી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, એપ્રીલ 2026  |   સુરત   |   990

વિશ્વનાં સિંગલ લાર્જેસ્ટ ઓફિસ બિલ્ડિંગ સુરતનાં ખજાેદ સ્થિત સુરત ડાયમંડ બુર્સનાં ઉદઘાટનનાં સવા બે વર્ષ પછી ૪૨૦૦માંથી માંડ ૨૫૦ ઓફિસો શરૂ થઇ શકી અને આટલે સુધી પહોંચવામાં સુરત મજૂરાનાં ધારાસભ્ય અને ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘણી મોટી ભૂમિકા ભજવી હોવાનું જણાવીને આજે સુરત ડાયમંડ બુર્સની મેનેજિંગ કમિટીએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો અભિવાદન સમારોહ યોજ્યો હતો. આ સમારોહને સંબોધતા હર્ષ સંઘવીએ એવી ઘોષણા કરી હતી કે બરાબર એક વર્ષ પછી સુરત ડાયમંડ બુર્સમાં એક હજારથી વધુ ઓફિસો શરૂ થઇ ચૂકી હશે. સુરત ડાયમંડ બુર્સ લેબગ્રોન ડાયમંડનું ગ્લોબલ હબ બનશે તેવું નાયબ મુખ્યમંત્રીએ જણાવતાં નેચરલ ડાયમંડનાં ઉદ્યોગપતિઓનાં ભવાં ચઢી ગયાં હતાં.

હર્ષ સંઘવીએ મુંબઇ સ્થિત ભારત હીરા બુર્સનું દ્રષ્ટાંત આપતાં ઉદ્યોગપતિઓ, ટીકાકારોને સવાલ કર્યો કે મુંબઇમાં હીરા બુર્સને ઉભું થતા કેટલા વર્ષો લાગ્યા હતા? ૧૫ વર્ષમાં ૫ ઓફિસ શરૂ થઇ હતી, તેમાં પણ ૪ સુરતનાં જ ઉધોગપતિઓ હતાં. સુરતમાં હીરા બુર્સમાં ૨ જ વર્ષમાં ૨૫૦ ઓફિસો શરૂ થઇ ગઇ અને આગામી ૬ મહિનામાં બીજી ૫૦૦ ઓફિસો શરૂ થઇ જશે. પોતાના વક્તવ્યમાં હર્ષ સંઘવીએ રફ ડાયમંડનો વેપાર કરતા ઉદ્યોગપતિઓને જાહેર મંચ પરથી એવો સવાલ પૂછીને ધર્મસંકટમાં મૂક્યા કે તમે ક્યારે ઓફિસ શરૂ કરો છો? કોઇપણ કારણ સાંભળ્યા વગર હર્ષ સંઘવીએ રફ વિક્રેતાને તારીખ જાહેર કરવા કહ્યું હતું. આ પ્રકારે જાહેરમાં જ ઓફિસ શરૂ કરવાની ઉઘરાણીથી આગલી હરોળમાં બેઠેલા અનેક ઉદ્યોગકારો છોભીલા પડી ગયાં હતાં.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution