સુરત-

મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી આજે મંગળવારે થઈ રહી છે, ત્યારે સુરતમાં મતગણતરી કેન્દ્ર ગાંધી એન્જીનીયરીંગ કોલેજની બહાર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે. જેમ-જેમ પરિણામ આવે છે તેમ-તેમ આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહ અને જીતનો ઉમંગ જોવામાં મળી રહ્યો છે.

 રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને 6 મહાનગરપાલિકાઓમાં 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાયું હતું, ત્યારે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 43.82 ટકા મતદાન નોંધાયું હતું. જેની મતગણતરી આજે મંગળવારે થઇ રહી છે. જેમાં વોર્ડ નંબર 4માં ભાજપના ચારેય ઉમેદવારની જીત થઇ છે. જેને લઇને ભાજપના કાર્યકર્તામાં ખૂશીનો માહોલ છવાયો છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં કુલ 30 વોર્ડ અને 120 બેઠકો છે. જેમાંથી 60 બેઠક મહિલા માટે અનામત રાખવામાં આવી છે. આ સાથે જ સુરતમાં કુલ 32, 88, 352 મતદારો હતા. જે પૈકી 15, 17, 238 પુરુષો, 14, 70, 999 મહિલા અને 110 ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે.