સુરત: કોરોના મહામારી કાળમાં દેવુ વધી જતા બે રત્નકલાકારે આપઘાત કર્યો..
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, જુલાઈ 2021  |   1881

સુરત-

સુરત શહેરમાં આપઘાતની ઘટનાઓ વધી રહી છે. હવે વધુ બે આપઘાતની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ બંને ઘટનામાંથી એક ઘટનામાં રત્નકલાકારે દેવું વધી જતાં આપઘાત કર્યો છે. જ્યારે ડભોલી વિસ્તારમાં પત્ની પિયર જતી રહેતા બે લાગી આવતા રત્નકલાકારે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધાની ઘટના સામે આવી છે. કોરોના અને તેના પગલે લગાવવામાં આવેલા લોકડાઉનને પગલે સુરતમાં આપઘાતના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. અનેક રત્નકલાકારો અને વેપારીઓએ આ દરમિયાન દેવું વધી જતાં આપઘાત કરી લીધો હતો.

મૂળ ભાવનગર જિલ્લાના પાંચ તલાવડા ગામના વતની અને હાલમાં સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા યોગેશ્વર રૉ હાઉસમાં રહેતા બાબુભાઈ ગોવિંદભાઈ વાઘાણી રત્નકલાકાર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમણે ગતરોજ નાના વરાછા મહારાણા પ્રતાપ ગાર્ડનમાં જઈને ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધી હતી. ઝેરી દવા પીધા બાદ તેમણે પુત્રને ફોન કરીને દવા પી લીધાની જાણ કરી હતી. જે બાદમાં પુત્ર તાત્કાલિક પરિવાર સાથે ગાર્ડન ખાતે દોડી ગયો હતો અને પિતાને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અહીં ટૂંકી સારવાર બાદ બાબુભાઈનું મોત થયું હતું.

બાબુભાઈના મજૂરીનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમણે આપઘાત પહેલા સુસાઈડ નોટ પણ લખી હતી. જેમાં તેમણે લખ્યું હતું તેમના માથાપર દેવું થઈ ગયું છે. તેઓ પૈસા ચૂકવી શકે તેમ નથી. આ કારણે આવું પગલું ભરી રહ્યા છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.બીજા બનાવમાં મૂળ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના સીતપુર ગામના વતની અને હાલ સુરત ડભોલી ચાર રસ્તા પાસે સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા વિજયભાઈ મૂળજીભાઈ આંબલીયા રત્નકલાકાર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પતિ-પત્નીનો એક પુત્ર તેમના માતા-પિતા પાસે રહેતો હતો. સુરત ખાતે બંને એકલા રહેતા હતા. આ દરમિયાન કોઈ બાબતે ઝઘડો થતાં પત્નીએ રિસાઇને પોતાના પિયર જતી રહી હતી. જે બાદમાં એકલા રહેતા વિજયભાઈએ કંટાળીને પોતાના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ અંગે કતારગામ પોલીસને જાણકારી આપવામાં આવતા કતારગામ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસ તપાસ દરમિયાન યુવક રત્નકલાકાર હોવાની સાથે સાથે પત્ની પિયર જતા રહેતા લાગી આવતા આપઘાત કરી લીધાનું ખુલ્યું હતું.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution