29, સપ્ટેમ્બર 2025
દુબઈ |
2970 |
અસલ ટ્રોફી તો મારી ટીમ છે, મેં એવું ક્યારેય નથી જોયું...'
એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડ્યા બાદ ભારતીય ટીમે ટ્રોફી સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. ક્રિકેટ ઈતિહાસમાં આ પહેલી વાર બન્યું જ્યારે કોઈ ચેમ્પિયન ટીમને ટ્રોફીનો ઈનકાર કર્યો હોય. આ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને એશિયન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષના અહંકારના કારણે થયું છે.જોકે, ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવને ટ્રોફીની કોઈ ચિંતા નથી. તેમણે કહ્યું છે કે, અસલ ટ્રોફી તો મારી ટીમ છે, મેં એવું ક્યારેય જોયું નથી.
બે અઠવાડિયામાં ત્રીજી વખત પાકિસ્તાનને ધૂળ ચટાડીને એશિયા કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ મોહસીન નકવી પાસેથી ટ્રોફી લેવાનો ઈનકાર કર્યો હતો, જે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા પણ છે અને વધુ મહત્ત્વનું એ છે કે, તેમના દેશના ગૃહમંત્રી છે, જે ભારત વિરોધી વલણ માટે જાણીતા છે. ભારતીય ટીમે નકવી પાસેથી ટ્રોફી સ્વીકારી ન હોવાથી, રવિવારે રાત્રે ઈનામ વિતરણ સમારોહ સમાપ્ત થયો, જેમાં નકવી સ્ટેજ છોડીને ટ્રોફી પોતાની સાથે લઈ ગયા.
મેચબાદ સૂર્યકુમાર યાદવને પૂછવામાં આવ્યું હતુ કે, કોન્ટિનેન્ટલ ટુર્નામેન્ટમાં સાત મેચ જીત્યા પછી સૌથી મોટા ઈનામ એટલે કે ટ્રોફી ન મળતાં કેવું લાગ્યું? જવાબમાં તેમણે કહ્યું કે, મને લાગે છે કે જ્યારથી મેં ક્રિકેટ રમવાનું અને તેનું અનુસરણ કરવાનું શરૂ કર્યું છે, ત્યારથી મેં ક્યારેય કોઈ ચેમ્પિયન ટીમને ટ્રોફીથી વંચિત જોયો નથી. આ મહેનતથી કમાયેલી ટ્રોફી. એવું નથી કે તે સરળતાથી મળી ગયું છે
ફાઈનલ ટ્રોફી અંગે સૂર્યકુમાર યાદવે કહ્યું, 'જો તમે મને ટ્રોફી વિશે પૂછો છો, તો મારી ટ્રોફી મારા ડ્રેસિંગ રૂમમાં છે. મારી સાથે બધાં 14 ખેલાડીઓ છે. આખો સપોર્ટ સ્ટાફ. આ અસલી ટ્રોફી છે.