29, સપ્ટેમ્બર 2025
દુબઈ |
3366 |
નકવી ટ્રોફી સાથે લઈને ઊભા રહ્યા, ભારતીય પ્લેયર્સ અડગ રહ્યા
એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડ્યા બાદ ટીમ ઈન્ડિયાએ ટ્રોફી સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. ભારતીય ખેલાડીઓએ મેચ બાદ સ્પષ્ટ કહ્યું કે અમે પાકિસ્તાની મોહસીન નકવીના હાથે ટ્રોફી નહીં લઈએ. જેના કારણે મેચ પતી ગયાના લગભગ બે કલાક બાદ જ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો.
મેચ જીત્યા બાદ પ્રેઝેન્ટેશન સેરેમનીમાં જ્યારે ટીમ ઈન્ડિયા ન આવી તો નકવી ત્યાં જ ટ્રોફી સાથે લઈને ઊભા રહ્યા. પરંતુ ભારતીય પ્લેયર્સ અડગ રહ્યા કે તે નકવીના હાથે ટ્રોફી નહીં સ્વીકારે અને ટીમ ઈન્ડિયાએ નકવીને સ્ટેજ પરથી ઊતારી દેવાની માગ કરી હતી. જોકે છેલ્લે નિર્ણય લેવાયો કે ભારતીય ટીમ એવોર્ડ જ નહીં સ્વીકારે.
ઉલ્લેખનીય છે કે એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ મોહસીન નકવી છે. તે પાકિસ્તાનના ગૃહ મંત્રી પણ છે. હેન્ડશેક વિવાદ બાદથી અટકળો હતી કે ભારતીય ખેલાડીઓ કોઈ પાકિસ્તાનીના હાથે ટ્રોફી નહીં સ્વીકારે કેમ કે જ્યારે 14 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટુર્નામેન્ટની પહેલી મેચ રમાઈ હતી ત્યારે ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા ન હતા.