વડોદરા, તા.૧૮

રાજ્યભરમાં ચકચાર જગાવનાર વેક્સિન ગ્રાઉન્ડ સામૂહિક દુષ્કર્મ અને આપઘાતના મામલાની અંતે ૧૪ દિવસ બાદ વલસાડ રેલવે પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે. મહત્ત્વની વાત તો એ છે કે પીડિતા જે સંસ્થામાં કામ કરતી હતી એ ઓએસીસના ટ્રસ્ટી અને મેન્ટોરે પુરાવાનો નાશ કર્યો હોવાનો ચોંકાવનારો ઉલ્લેખ એફઆઈઆરમાં કરાયો છે. વલસાડ રેલવે પોલીસ મથકે સીપીઆઈ બળવંતસિંહ ડાંગીએ ઓએસીસ સંસ્થામાં કામ કરતી યુવતી સાથે થયેલા સામૂહિક દુષ્કર્મ દરમિયાન પીડિતાને પહોંચેલી ઈજાઓ અને પીડિતાએ લખેલી ડાયરીના ફોટાઓ સંસ્થાના ટ્રસ્ટીઓને વોટ્‌સએપના માધ્યમથી સંસ્થાના મેન્ટોર વૈષ્ણવીબેન મહેન્દ્રભાઈ ટાપણિયાએ મોકલ્યા હતા, જે ફોટા ફોનમાં ડિલીટ પણ કરી નાખવામાં આવ્યા છે.

એફઆઈઆરમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, મહત્ત્વના પુરાવાઓ સાબિત થાય એવી ડાયરીના પાન અને ફોટાઓ ડિલીટ કરી સંભવિત રીતે પુરાવાનો નાશ કરવામાં આવ્યો છે એ ઉપરાંત મહત્ત્વની કડી સાબિત થાય એવફી સાઈકલ વિશે પણ ટ્રસ્ટીઓ કે સંસ્થાનું હિત ધરાવતી વ્યક્તિઓ દ્વારા સાઈકલ ક્યાં છે અને કઈ છે એ સ્પષ્ટ જણાવતાં નથી. ત્યારે પોલીસ હવે સંસ્થા સામે કેવા પગલાં લે છે એ જાેવું રહ્યું. શહેરના વેક્સિન ગ્રાઉન્ડમાં ગત તા.ર૯ના રોજ ઓએસીસ સંસ્થામાં કામ કરતી યુવતી સાથે ગેંગરેપનો બનાવ બન્યો હતો એના બાદ સંસ્થાના મેન્ટોર ટ્રસ્ટીને જાણ હોવા છતાં એકલી નવસારી જવા દીધી હતી અને તા.૪ નવેમ્બરના રોજ પીડિતાએ ગુજરાત ક્વીન એક્સપ્રેસ ટ્રેનના ખાલી કોચમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જેની તપાસ દરમિયાન વલસાડ રેલવે પોલીસને નવસારી ખાતેના પીડિતાના નિવાસસ્થાનેથી એક ડાયરી મળી હતી જેમાં યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની માહિતી બહાર આવતાં રેલવે પોલીસે શહેર પોલીસને જાણ કરી વડોદરા આવી હતી અને બાદમાં દુષ્કર્મની તપાસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ જાેડાઈ હતી.

ફરિયાદમાં દુષ્કર્મ બાદ પીડિતાને મદદ કરનાર બસચાલક ઉપરાંત ત્રણ અન્ય સાહેદોએ ઘટનાને પુષ્ટિ આપી હોવાનું જણાવ્યું છે. જ્યારે સીસીટીવી ફુટેજ પણ ઘટનાને સમર્થન આપી રહ્યા છે. ડ્રાઈવરના જણાવ્યા મુજબ બે યુવકો રિક્ષામાં ભાગ્યા હતા, એ પૈકી એકે શર્ટ-પેન્ટ પહેર્યું હતું. તપાસ દરમિયાન પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં પીડિતાના શરીરે બાહ્ય અને આંતરિક ભાગોમાં ઈજાઓ પહોંચી હોવાનું બહાર આવ્યું હતું. સીસીટીવી ફુટેજ, ટેકનિકલ સર્વેલન્સ, ત્રણ સાહેદોના નિવેદનો ઘટના અંગેના પુરાવા રજૂ કરે છે ત્યારે ઓએસીસ દ્વારા આ ઘટના છૂપાવવાના પ્રયત્નો કેમ કરાય છે એવો મહત્ત્વનો સવાલ ઊભો થયો છે.

એફએસએલમાં ટ્રસ્ટી અને ફોટા ડાયરીના પાનની વિગતો બહાર આવશે

એફઆઈઆરમાં ઓએસીસની મેન્ટોર વૈષ્ણવી એમ.ટાપણિયાની નામ સહિત પુરાવાનો નાશ કરવાની નોંધ છે પરંતુ જે ટ્રસ્ટીને ફોટા વોટ્‌સએપ કરાયા બાદ ડિલીટ થયાની નોંધ છે એનો નંબર કે નામ નથી, પરંતુ એફએસએલની તપાસમાં ડિલીટ થયેલા ફોટા અને ફાટેલી ડાયરીના પાનની વિગતો બહાર આવશે એમ સાયબર એક્સપર્ટે જણાવ્યું છે.

પીડિતાને ભાઈ તરીકે ન્યાય અપાવીશ ઃ હર્ષ સંઘવીગૃહ રાજ્યમંત્રી

હું પિડીતાના ભાઈ તરીકે તે ને ન્યાય અપાવીને જ જંપીશ એમ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. શહેર નજીક આવેલા સોખડા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ગૃહ રાજયમંત્રીએ પત્રકારોના સવાલોના જવાબમાં ઉપર મુજબ જણાવી ડ્રગના દુષ્ણને નાથવાનો પણ મકકમ નિર્ધાર જાહેર કર્યો હતો.

આઈ.પી.સી.૨૦૧ ઓએસીસ માટે આફતરૂપ બનશે?

પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ પણ ગંભીર પ્રકારનો ગુનો જ છે એમ કાનુની નિષ્ણાંતોએ જણાવ્યું છે. જે ઓએસીસની તકલીફોમાં વધારો કરશે. વલસાડ રેલવે પોલીસે મથકે આઈ.પી.સી. ૩૭૬(ડી) ગેંગરેપ, ૩૬૫ અપહરણ અને ખોટી રીતે કેદ, ૩૨૩ ગંભીર ઈજા પહોંચાડવી, ૩૦૬ આત્મહત્યા માટે પ્રેરણા, ૩૪૨ ખોટી રીતે કેદ ઉપરાંત ૨૦૧ પુરાવાનો નાશ કરવોએ મુજબ ગુનો નોંધાયો છે.