અફઘાનિસ્તાન-

અમેરિકા દ્વારા અફઘાનિસ્તાનથી પોતાના સૈનિકો પરત ખેંચવાની જાહેરાત કરવામાં આવી ત્યારથી જ તાલિબાનના હુમલાઓ અચાનક વધી ગયા છે. તાલિબાનનું કહેવું છે કે, તેણે અફઘાનિસ્તાનના 80 ટકા જિલ્લાઓ પર કબજો કર્યો છે. તાલિબાન સતત પોતાની તાકાતમાં વધારો કરી રહ્યું છે. અફઘાનિસ્તાનમાં તેની શક્તિમાં વધારો થતાં, તેને લગતા ક્રુર કાયદા પણ પાછા ફર્યા છે. તાલિબને દેશના ઇશાન દિશામાં સ્થિત તારાર પ્રાંતના લોકો માટે નવા આદેશો જારી કર્યા છે.

આ પ્રાંતમાં રહેતી મહિલાઓને ઘર એકલા ન છોડવાનું કહેવામાં આવ્યું છે અને પુરુષોને દાઢી ઉગાડવાનો આદેશ આપવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, તાલિબને છોકરીઓના દહેજ સંબંધિત નવા કાયદા પણ લાગુ કર્યા છે. તખારમાં રહેતા એક સામાજિક કાર્યકર મીરાજુદ્દીન શરીફિ કહે છે કે, “તાલિબાનોએ મહિલાઓને પુરુષોની મદદ વગર એકલા ઘર ન છોડવા કહ્યું છે.” તેમણે કહ્યું કે તાલિબાન પુરાવા વિના સુનાવણી માટે આગ્રહ કરી રહ્યા છે.

ખાદ્ય પદાર્થઓના ભાવમાં વધારો

ટખર પ્રાંત સમિતીએ જણાવ્યું હતું કે, જ્યાં તાલિબાનો કબજો છે તે સ્થળોએ ખાદ્ય ચીજોની કિંમતોમાં પણ વધારો થયો છે. ટખર પ્રાંતના રાજ્યપાલ અબ્દુલ્લા કારલુકે કહ્યું કે, તાલિબાનના નિયંત્રણ હેઠળના લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમને કોઈ પણ પ્રકારની સેવા નથી મળી રહી. હોસ્પિટલો અને શાળાઓ બંધ છે. કારલુકે કહ્યું કે, તાલિબાન લડવૈયાઓએ અનેક સરકારી ઇમારતોને નુકસાન પહોંચાડ્યું છે. આ વિસ્તારોમાં તમામ પ્રકારની સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

તાલિબાને દાવાઓને નકાર્યા

રાજ્યપાલે કહ્યું, 'તાલિબાન બધું લૂંટી રહ્યા છે અને અહીં કોઈ સેવા નથી.' સ્થાનિક લોકો કહી રહ્યા છે કે રાજ્યમાં આ પ્રકારની પરિસ્થિતિ અસ્વીકાર્ય છે. તાલિબાનીઓને નાબૂદ કરવા માટે ઓપરેશન શરૂ કરવું જોઈએ. બીજી બાજુ, તાલિબાનોએ આ દાવાઓને નકારી કાઢ્યો છે અને તેને તેમની વિરુદ્ધ પ્રોપોગેંડા ચલાવવામાં આવી રહ્યો હોવાની વાત કહી છે. દેશના હેરાત, કપીસા, ટખર, બલ્ખ, પાર્વન અને બગલાન પ્રાંતમાં તાલિબાન લડવૈયાઓ અને અફઘાન સુરક્ષા દળો વચ્ચે લડાઈ ચાલુ છે. અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે, છેલ્લા 24 કલાકમાં 10 પ્રાંતની અંદર 250 તાલિબાન લડવૈયાઓ માર્યા ગયા છે.