લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, એપ્રીલ 2026 |
2772
તાપી જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાંચ અને પેરોલ-ફર્લો સ્ક્વોર્ડે છેલ્લાં ૨૫ વર્ષથી પોલીસને થાપ આપી રહેલા મોસ્ટ વોન્ટેડ આરોપી ગીરીશચંન્દ્ર ઉર્ફે લલ્લુ શિવસહાય મિશ્રાને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો છે. મળેલી વિગત મુજબ, માર્ચ ૨૦૦૦ ના વર્ષમાં વાલોડ પોલીસ સ્ટેશનની હદમાં એક ધાડ અને ખૂનનો ગુનો નોંધાયો હતો. આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરૂં રચીને કીમ ચાર રસ્તાથી યાર્ન ભરેલી ટ્રકમાં મુસાફર તરીકે બેઠાં હતા. વાલોડ નજીક ટ્રક ઊભી રખાવી, ડ્રાઈવર પરસરામ યાદવ અને ક્લીનર નનકન યાદવની કેબલ વડે ગળા ફાંસો આપી ર્નિમમ હત્યા કરી હતી. આરોપીઓએ પુરાવાનો નાશ કરવા ક્લીનરના માથા પર ટ્રકનું વ્હીલ ફેરવી દીધું હતું અને ૭ લાખના યાર્નની લૂંટ ચલાવી ટ્રક બિનવારસી છોડી નાસી છૂટ્યા હતા. આ ગુનામાં અગાઉ પાંચ શખ્સો પકડાયા હતા, પરંતુ મુખ્ય આરોપી ગીરીશ મિશ્રા પોલીસ પકડથી દૂર હતો. તે પકડાઈ જવાની બીકે મોબાઈલનો ઉપયોગ ટાળતો હતો અને વેશ પલટો કરી પોતાની ઓળખ છુપાવી અલગ-અલગ જગ્યાએ રહેતો હતો. તાપી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડના અધિકારીઓએ ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી સચોટ બાતમી મેળવી હતી. તાપી પોલીસની એક ટીમે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના કુંડા ખાતે દરોડો પાડી આરોપીને તેના વતનમાંથી દબોચી લીધો હતો. આમ, ૨૫ વર્ષ જૂના આ અનડિટેક્ટ ગુનાના આરોપીને પકડી પાડી તાપી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.