તાપી-

તાપીના શિક્ષણાધિકારી બી. એમ. પટેલની એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તાપી જિલ્લામા આવેલી એક સ્કૂલને આપેલી નોટિસ પરત ખેંચવા ૧૦ લાખની લાંચ માંગી હતી. જેમાં રૂપિયાની ડિલીવરી ગઈકાલે રાત્રે થવાની હતી. દરમિયાન એસીબીએ છટકું ગોઠવી ઝડપી પાડ્યા છે. આ સાથે ક્લાર્ક રવિ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, તાપી જિલ્લાની ટ્રસ્ટ સંચાલિત વિદ્યાલયમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી ભરતભાઇ મંગળભાઇ પટેલ આકસ્મિક મુલાકાત લઇ ઇન્સ્પેકશનમાં મુદ્દાઓની પુર્તતા માટે શાળાને નોટિસ આપી હતી.

જે મુદ્દાઓની પુર્તતા શાળા તરફથી કરાતા ફરીથી અમુક મુદ્દાઓની પુર્તતા સાથે ફરીથી નોટિસ શાળાના આચાર્યને મોકલવામાં આવી હતી. આ બાબતે આચાર્યએ રૂબરૂમાં શિક્ષણાધિકારીની મુલાકાત કરી પુર્તતા અંગે ખુલાસો કરતા નોટિસ અંગેની કાર્યવાહી દફતરે કરવા રૂપિયા ૧૦ લાખની લાંચની માંગણી કરી હતી. સ્કૂલના આચાર્ય લાંચની રકમ આપવા માંગતા ન હોય તાપી એ.સી.બી. પો.સ્ટે. નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જે આધારે ગત રોજ લાંચના છટકાનું આયોજન કર્યું હતું.

છટકા દરમિયાન શિક્ષણાધિકારીએ આચાર્યને ક્લાર્ક રવિ રવિન્દ્રકુમાર ઉર્ફે જીગો શંકરલાલ પટેલને લાંચની રકમ આપવા જણાવ્યું હતું, જેથી આચાર્ય લાંચની રકમ લઇ રવિન્દ્રકુમાર આપવા જતા શિક્ષણાધિકારીને એસીબીના છટકાંની જાણ થતા લાંચની રકમ સ્વીકારી ન હતી. લાંચના છટકા દરમિયા એકત્રીત થયેલ પુરાવામાં શિક્ષણાધિકારી અને રવિન્દ્રકમાર એકબીજાની મદદગારીમાં ૧૦ લાખની લાંચની માંગણી કરેલ હોવાથી બન્ને આરોપી વિરૂધ્ધમાં લાંચની માંગણીનો ગુનો દાખલ કરવામાં આવી ધરપકડ કરવામાં આવી છે.