ટીડીઓ પણ જીતેશ ત્રિવેદી અને તેના સાહેબ તરીકે ડેપ્યુટી કમિશનર પણ જીતેશ ત્રિવેદી!

લોકસત્તા વિશેષ, તા.૨૮

વડોદરા મ્યુ. કોર્પોરેશનનું ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ સમગ્ર રાજ્યમાં એકમાત્ર એવું ડિપાર્ટમેન્ટ છે જ્યાં ચોર અને પોલીસ બંને એક જ ટીમમાં હોય તેવો ઘાટ સર્જાયો છે. એટલેકે નીચલા અધિકારી દ્વારા કરવામાં આવતી કામગીરી ઉપરી અધિકારી સુપરવાઈઝ કરી શકે તેવા મૂળ આશય સાથે કામગીરીની એક પધ્ધતિ નક્કી થાય છે. જેમાં કેડર પ્રમાણે ફાઈલ આગળ વધી સૌથી ટોચની સત્તા સુધી તે જતી હોય છે. પરંતુ વડોદરા કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગમાં સિનિયર અધિકારી દ્વારા કામગીરી પર સુપરવિઝન થાય તેવા મૂળ આશયને ગાયબ કરી એક જ વ્યકિતને એક જ ડિપાર્ટમેન્ટના બે જુદા જુદા હોદ્દાનો ચાર્જ આપવાની ગંભીર પ્રવૃતિ કેટલાક વચેટીયાઓ અને વગદાર આર્કિટેક્ટના ઈશારે પાર પાડવામાં આવી છે. એટલેકે કોર્પોરેશન ટાઉન પ્લાનિંગ વિભાગના ટીડીઓ પણ જીતેશ ત્રિવેદી અને તેના સાહેબ તરીકે ડે. કમિશનર પણ જીતેશ ત્રિવેદી જ કામગીરી કરી રહ્યા છે. આ સ્થિતિમાં ત્રિવેદીને ડે. કમિશનરનો હોદ્દો અપાવવામાં મદદ કરનાર વચેટીયાઓ હવે પાછલા બારણે આખુ ડિપાર્ટમેન્ટ ચલાવી રહ્યા હોવાની સ્થિતિ નિર્માણ થવા પામી છે.

લોકસત્તા જનસત્તાને પ્રાપ્ત જાણકારી અનુસાર છેલ્લા ૨૦ વર્ષથી કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગમાં એકહથ્થુ સત્તા ધરાવનાર જીતેશ ત્રિવેદીએ તેઓ વગર ડિપાર્ટમેન્ટમાં અંધારૃ થઈ જશે તેવો એક માહોલ ઉભો કર્યો છે. ટાઉન પ્લનિંગમાં બાંધકામ પરવાનગી શાખા, ટીપી અમલીકરણ શાખા તથા દબાણ શાખાના ડે. કમિશનર તરીકે કોઈ સિનિયર નાયબ કલેકટર અથવા કોર્પોરેશનના એડી. સીટી એન્જીનિયર કે સીટી એન્જીનિયર કક્ષાના અધિકારીનું સીધું સુપરવિઝન હોવું જાેઈએ. જેનાથી ટાઉન પ્લાનિંગ વિભાગમાં બિલ્ડીંગ ઈન્સ્પેક્ટરથી શરૃ થતી ફાઈલ ડે. ટાઉન પ્લાનિંગ ઓફિસર અને ટાઉન પ્લાનિંગ ઓફિસર પાસે થઈ ડે. કમિશનર પાસે જાય તો તેમાં રહેલી ક્ષતિ, ગોટાળા કે એકબીજાના મેળાપીપણામાં ચાલતી કામગીરી પર રોક લગાવી શકાય. પરંતુ કોર્પોરેશનમાં એક ચોક્કસ વગદાર લોબીના ઈશારે આજ ડિપાર્ટમેન્ટમાં ડે. ટાઉન પ્લાનિંગ ઓફિસરથી પ્રમોશન લઈ ટાઉન પ્લાનિંગ ઓફિસર બનનાર જીતેશ ત્રિવેદીને જ ડે. કમિશનર ટીપીનો હવાલો આપવામાં આવ્યો છે. છેલ્લા ૧ વર્ષથી આ હવાલાની કામગીરીમાં ચોર અને પોલીસ બંને એક જ ટીમમાંથી રમતા હોય તેવો ઘાટ સર્જાયો છે. જેના કારણે સિનિયર અધિકારીના ક્રોસ ચેકીંગ અને સુપરવિઝનના મુળ આશય પર તરાપ વાગી છે. જેના કારણે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળ્યાનું પણ કહેવાય છે.

તાંદલજાના ધાર્મિક સ્થળના દબાણમાં કોર્પોરેટરને ભેરવ્યા હતા

તાંદલજામાં બની રહેલી મસ્જીદ સરકારી જમીનમાં ઉભી થઈ રહી હોવાની ફરિયાદ ભાજપના કોર્પોરેટર નિતિન દોંગાએ કરી હતી. આ ફરિયાદ બાદ દબાણ તોડવાની કાર્યવાહી કરવા માટે જરુરી પ્રક્રિયા કરવાના બદલે ટાઉન પ્લાનિંગ વિભાગમાંથી તેઓની પ્રેકટીસ મુજબ ફરિયાદીની વિગતો દબાણ કરનારને આપી દેવામાં આવી હતી. જેના કારણે નિતિન દોંગાને ફોન કરી ફરિયાદ પરત લેવા માટે દબાણ પણ કરાયું હતું. જાે કોર્પોરેશનમાં એક કોર્પોરેટર માટે આવી સ્થિતિ ઉભી થઈ શકતી હોય તો સામાન્ય નાગરીક સાથે કેવું વર્તન કરવામાં આવતું હશે તે બાબત વિચાર માંગી લે તેમ છે.

કમિશનરે પાવર ડેલીગેટ કરતાં જ ત્રિવેદીને ફાવટ આવી ગઈ

થોડા સમય પૂર્વે શહેરના બિલ્ડર એસોસીએશન ક્રેડાઈ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલ બાદ વિવાદ રાજ્ય સરકાર સુધી પહોંચતા મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલે તેઓ પાસેના મોટાભાગના પાવર ડેલીગેટ કરી ડે. કમિશનરને સુપ્રત કર્યા હતા. જેના કારણે ડે. કમિશનરનો વધારાનો ચાર્જ ધરાવનાર જીતેશ ત્રિવેદીને ફાવટ આવી ગઈ હતી. જેમાં લાંબા સમયથી કમિશનર જે ફાઈલો પર સહી નહતા કરતા તે તમામ ફાઈલો ગણતરીના સમયમાં ક્લીયર થઈ ગઈ હતી. અત્રે ઉલ્લેખનીય છેકે હાલ ડે. કમિશનરનો ચાર્જ ટીડીઓ જીતેશ ત્રિવેદી પાસે હોઈ કમિશનરે ડેલીગેટ કરેલા પાવર ડે. કમિશનરની આડમાં સીધા ટીડીઓને પ્રાપ્ત થયા હતા. જે પણ ગેરકાયદે હોવાનું કહેવાય છે.

૧૫૦ ફાઈલો કમિશનરના ટેબલ પર અને ૨૫૦ ફાઈલો ત્રિવેદીના ટેબલ પર તો બાકીની ક્યાં?

વડોદરા શહેરમાં ૫ હજારથી વધુ ગેરકાયદે બાંધકામો માટેની ફરિયાદો દબાવી દેવાનો ગંદો ખેલ કોર્પોરેશન ટાઉન પ્લાનિંગ વિભાગમાં ટીડીઓ જીતેશ ત્રિવેદીના રાજમાં કરવામાં આવ્યો છે. આ ખેલ અંગે આજે લોકસત્તા જનસત્તાએ ઘટસ્ફોટ કરતા એક ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ મામલે કોર્પોરેશનમાં કોંગ્રેસ પક્ષના નેતા અમી રાવતે જણાવ્યું હતુંકે ટીડીઓના કહેવા મુજબ હાલ દબાણની ૧૫૦ ફાઈલો કમિશનર શાલિની અગ્રવાલના ટેબલ પર પડી છે જ્યારે ૨૫૦ ફાઈલો ટીડીઓના ટેબલ પર છે. પરંતુ આ ફાઈલો તો જેના પર ર્નિણય બાકી છે તે છે. જે ફાઈલોમાં કોઈ ર્નિણય માટે કાર્યવાહી નથી થઈ તેવી ફરિયાદો ક્યાં? અથવા આવી ફાઈલો ક્યાં? તેનો કોઈ ઉત્તર ટાઉન પ્લાનિંગ વિભાગ પાસે નથી.

દબાણની ફરિયાદ કરનારને ઈનવર્ડ નંબર જ નથી અપાતા

સરકારી વિભાગોમાં સામાન્ય રીતે કોઈ અરજી આપવામાં આવે તો તુરત જ બારનિશી ક્લાર્ક અરજી સ્વીકારી તેના પર ઈનવર્ડ નંબર લખી અરજીની ઓ.સી. પરત આપતા હોય છે. પરંતુ કોર્પોરેશન ટાઉન પ્લાનિંગ વિભાગમાં આવી કોઈ વ્યવસ્થા રાખવામાં જ આવી નથી. એટલેકે અરજદાર અરજી આપે પછી તેને જીતેશ ત્રિવેદીના ટેબલ પર મુકવામાં આવે. જાે ત્રિવેદી અરજી દાખલ કરવા હા પાડે પછી જ તેના પર ઈનવર્ડ નંબર નાંખવામાં આવે. આ પ્રક્રિયામાં ૨થી ૧૦ દિવસ સુધી અરજદારને ધક્કા ખાવા પડતા હોય છે.