લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, એપ્રીલ 2026 |
2178
આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે ‘ટીચર્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ-હાયર સેકન્ડરી’ની પ્રિલિમિનરી પરીક્ષા રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ છે. ૮૬૨ પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અંદાજે ૧.૬૫ લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપી છે. અમદાવાદ શહેરમાં ૩૧,૧૭૦ ઉમેદવારો અને અમદાવાદ ગ્રામ્યમાં ૧૮,૦૯૪ ઉમેદવારો પરીક્ષા આપી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય સહિત અનેક જિલ્લાઓમાં આ મહત્વની પરીક્ષાનું આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. બોર્ડ દ્વારા ૧૦ થી ૧૯ ફેબ્રુઆરી સુધી ઉમેદવારો માટે રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ત્યારબાદ ફોર્મ ભરવાની મુદતમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. સમગ્ર રાજ્યમાં ‘ટીચર્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ-હાયર સેકન્ડરી માટે સમગ્ર રાજ્યમાંથી ૧૬૫૦૨૪ ઉમેદવારો નોંધાયા હતા. ૨૯ માર્ચનાં રોજ ગુજકેટની પરીક્ષાને કારણે ૧૨મી એપ્રિલે ટેટ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. મળતી વિગતો મુજબ, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેનારી ટેટ માટે અમદાવાદ શહેરમાં જ ૧૬૬ કેન્દ્રો પર ૩૧,૧૭૦ ઉમેદવારો પરીક્ષા આપી છે. જ્યારે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ૯૯ કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે, જ્યાં ૧૮,૦૯૪ ઉમેદવારો નોંધાયા છે. પરીક્ષા કેન્દ્રો પર વહેલી સવારથી જ ઉમેદવારોની ભીડ જાેવા મળી હતી અને તેઓના ચહેરા પર એક પ્રકારનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ છલકાતો હતો. મુખ્ય વિષયોમાં એકાઉન્ટ એન્ડ કોમર્સ, બાયોલોજી, કેમિસ્ટ્રી, કમ્પ્યુટર, ઈકોનોમિક્સ, અંગ્રેજી, ગણિત, ફિઝિક્સ, સંસ્કૃત અને શારીરિક શિક્ષણ જેવા અનેક વિષયોની કસોટી લેવાઈ છે. શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી સર્વેલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમેદવારોમાં હવે આશા છે કે પરીક્ષા બાદ તેનું પરિણામ સમયસર આવી જાય તો મેઈન્સની તૈયારી કરી શકાય અને શિક્ષક તરીકેની ભરતી ઝડપથી થાય.