પત્ની-પુત્રીના હત્યારા તેજસને ચાર દિવસના રિમાન્ડ અપાયા
15, ઓક્ટોબર 2021

વડોદરા, તા. ૧૪

મુળ ગોધરાના શહેરા તાલુકાનો વતની અને ચાર વર્ષથી સમા વિસ્તારની ચંદનપાર્ક સોસાયટીમાં શ્વસુરગૃહે ત્રીજા માળે ૩૬ વર્ષીય પત્ની શોભના અને ૬ વર્ષની પુત્રી કાવ્યા સાથે રહેતા ૩૦ વર્ષીય તેજસ અંતરસિંહ પટેલ (બારિયા)ના લગ્નેત્તર સંબંધો તેમજ શોભનાને તેની સાસુ અને નણંદ સાથે અણબનાવ હોઈ આ મુદ્દે દંપતી વચ્ચે કાયમ ગૃહક્લેશ થતા હતા. આ ગૃહક્લેશથી કંટાળીને તેજસ ગત રવિવારે આઈસ્ક્રીમના કોનમાં ઉંદર મારવાની દવાનો ભુક્કો મેળવી તે પત્ની અને પુત્રીને ખવડાવી દીધા હતા અને ત્યારબાદ બંનેના મોંઢા પર ઓશિકું દબાવી તેઓના શ્વાસ રૂંધાવીને મોત નિપજાવ્યા હતા.

 આ ડબલ મર્ડર કેસમાં શોભના અને તેજસ વચ્ચે ખરેખરમાં કયાં પારિવારક મુદ્દે ઝઘડા થતા હતા, તેજસનું લગ્ન બાદ પણ કોની સાથે પ્રેમપ્રકરણ છે, તેણે હત્યા માટે ઝેર ક્યાંથી અને કોની પાસેથી ખરીદેલું અને તેના મોબાઈલની કોલ્સ ડિટેઈલ કઢાવી તે કોની કોની સાથે સંપર્કમાં છે તેની તેજસને સાથે રાખીને પુછપરછ કરવાની બાકી હોવાના કારણો સાથે પીઆઈ નિલેશ બ્રહ્મભટ્ટે તેજસને આજે કોર્ટમાં રજુ કરી તેના પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે તેજસને ચાર દિવસના રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો હતો.

તેજસને લીગલ એડ દ્વારા વકીલની મદદ પૂરી પડાઈ

આરોપી તેજસને આજે દિવસ દરમિયાન તેના કોઈ જ પરિવારજનો મળવા માટે આવ્યા નહોંતો જેના પગલે તે ભારે ડિપ્રેશનમાં આવ્યો છે. આજે તેને કોર્ટમાં રજુ કરાયો હતો પરંતું તેના બચાવમાં કોઈ વકીલ ન હોઈ તેને લીગલ એડ મારફત બચાવપક્ષે ધારાશાસ્ત્રી ભાવિન પટેલની સેવા આપવામાં આવી હતી. આ બનાવમાં આવતીકાલે તેજસની માતા અને બહેન સહિતના પરિવારજનોને પણ પુછપરછ માટે આવવાની પોલીસે જાણ કરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution