01, જુન 2025
નવી દિલ્હી |
693 |
કોંગ્રેસના નેતાઓ થરૂરને વડાપ્રધાન મોદીની પાર્ટીના પ્રવક્તા અથવા વિદેશમંત્રી બની જવા સલાહ આપી
શશી થરૂરને આટલી મોટી જવાબદારી સોંપવામાં આવી છે. થરૂર આ જવાબદારી ખૂબ જ પ્રામાણિકપણે નિભાવી રહ્યા છે : ભાજપ
ઓપરેશન સિંદૂર બાદ ભારતના તમામ પક્ષના નેતાઓના સમૂહને વિવિધ દેશોમાં મોકલવામાં આવ્યા છે જ્યાં તેઓ ભારતનો પક્ષ મૂકી આતંકવાદ સામેની લડાઈ અંગે અવગત કરાવી રહ્યા છે. આ ડેલિગેશનમાં સૌથી ચર્ચામાં કોંગ્રેસના નેતા શશી થરૂર છે કારણ કે કોંગ્રેસ તેઓની સતત ટીકા કરી રહ્યું છે તો સામે ભાજપ તેઓના વખાણ કરતા થાકતું નથી.
કોંગ્રેસ નેતા શશી થરૂર ભારત તરફથી વિશ્વભરમાં મોકલવામાં આવેલા ડેલિગેશનનો હિસ્સો બનતાં જ પોતાના જ પક્ષના લોકોની ટીકાઓનો ભોગ બન્યા છે. વારંવાર કોંગ્રેસનો વિવિધ નેતાઓ થરૂરની ટીકા કરી રહ્યા છે. જેના પર ફરી એકવાર સ્પષ્ટતા આપતાં થરૂરે કહ્યું કે, હાલ મારી પાસે આ બધી વાતો માટે સમય નથી.મીડિયા સાથે વાતચીતમાં બ્રાઝિલમાં થરૂરને સવાલ કરવામાં આવ્યો હતો કે, કોંગ્રેસ નેતા તમારી ટીકાઓ કરી રહ્યા છે. તો તેનો જવાબ આપતાં તેમણે કહ્યું કે, આ બધી વાતો માટે મારી પાસે સમય નથી. હું હાલ માત્ર મારા મિશન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું. થરૂરે આગળ કહ્યું કે, આપણે આ મિશનને ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લેવું જોઈએ. એક સંપન્ન લોકતંત્રમાં ટિપ્પણીઓ અને ટીકાઓ થતી રહે છે. પરંતુ મને લાગે છે કે, હાલ આ બધી વાતો પર ધ્યાન આપવાની જરૂર નથી. જ્યારે અમે ભારત પાછા આવીશું, ત્યારે અમારી પાસે અમારા સહયોગીઓ, ટીકાકારો, મીડિયા સાથે વાતચીત કરવાની તક હશે. પરંતુ હાલ અમે એવા દેશો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છીએ, જ્યાં અમે જઈને આપણા દેશનો સંદેશ પહોંચાડી રહ્યા છીએ.એક તરફ કોંગ્રેસ થરૂરને નિશાન બનાવી રહી છે, તો બીજી તરફ ભાજપ તેમના કામની પ્રશંસા કરી રહી છે. ભાજપનું કહેવું છે કે વિપક્ષમાં હોવા છતાં, શશી થરૂરને આટલી મોટી જવાબદારી સોંપવામાં આવી છે. થરૂર આ જવાબદારી ખૂબ જ પ્રામાણિકપણે નિભાવી રહ્યા છે. પરંતુ કેટલાક કોંગ્રેસના નેતાઓ તેમના કામની ટીકા કરી રહ્યા છે. જે કોંગ્રેસની અંદર તેમના પ્રત્યેની નિરાશા દર્શાવે છે.