અરવલ્લી-

જિલ્લામાં કાર્યરત 181 અભયમની ટીમને મંગળવારની રાત્રે 10:30 વાગ્યે, એક અજાણી યુવતીનો ફોન આવ્યો હતો કે, તેને મારી નાખવાનું ષડયંત્ર રચવામાં આવ્યુ છે. તે જીવ બચાવવા ઘરેથી ભાગીને જંગલમાં સંતાઈ ગઇ છે. 181 અભયમ ટીમના કાઉન્સિલર ચેતના ચૌધરી, પોલીસ કોન્સ્ટેબલ પિન્ટુબેન તાત્કાલિક યુવતીની મદદ માટે દોડી ગયા હતા. આ યુવતી એવી જગ્યાએ છૂપાયેલા હતા કે, રાત્રીના સમય ત્યાં સુધી પહોંચવું મુશ્કેલ હતું. માલપુરના વાંકાનેડા ગામમાં જઈ બહુ પુછપરછ બાદ યુવતી સુધી પહોંચી શકાયુ હતું. અભયમ ટીમે જીવના જોખમે યુવતીને શોધી લેવામાં સફળતા મેળવી સ્થળ પરથી રેસ્ક્યુ કર્યા હતા. યુવતીનો કાઉન્સિલિંગ કરતા જાણવા મળેલું કે, તેમની ઉંમર 27 વર્ષ છે. તેમને તેમના જ સમાજનો છોકરો ગમે છે, તેની સાથે લગ્ન કરવા માટે મોતપિતાને વાત કરી હતી. જોકે, તેના માતા-પિતા રાજી ન હતા અને ઉશ્કેરાયેલા પિતાએ છોકરીને જ મારી નાખવાનું ષડયંત્ર રચ્યું. આ વાતની જાણ યુવતીને થતા તે પોતાનો જીવ બચાવવા માટે ઘરેથી ભાગી નીકળી હતી. આ યુવતી 12 ધોરણમાં 78 ટકા સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની પણ તૈયારી કરી રહી છે. 181 અભયમ ટીમ દ્વારા યુવતીને તાત્કાલિક ધોરણે સ્થળ પરથી માલપુર પોલીસ સ્ટેશનમાં નિવેદન લઈ પોલીસ કાર્યવાહી પૂરી કરીને આશ્રય માટે આશ્રયગૃહ મોડાસા ખાતે રાખવામાં આવી હતી. આ યુવતી દ્વારા 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, કદાચ સમયસર ટીમ ના પહોંચી હોત તો આજે મારા જીવનનો છેલ્લો દિવસ હોત.