લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, મે 2021 |
3069
વડોદરા-
ગુજરાતમાં હવે મહિલાઓ સુરક્ષિત જણાતી નથી! દરરોજ અનેક એવા કેસ સામે આવતા હોય છે કે સાંભળીને તમને નવાઈ લાગશે. ત્યારે પાવીજેતપુર તાલુકાના કરાલી વિસ્તારની એક નર્સ બોડેલી મુકામેથી સાંજના સમયે એક ખાનગી દવાખાનામાંથી નોકરી કરી ઘરે પરત જઈ રહી હતી. ત્યારે એક ઈકો ગાડીના ચાલકે એકલતાનો લાભ લઇ બાથ ભરી છેડતી કરતા નર્સબેને કરાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી ન્યાયની માંગ કરી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે પાવીજેતપુર તાલુકાના કરાલી વિસ્તારની ૨૩ વર્ષની એક નર્સબેન બોડેલી મુકામે એક ખાનગી દવાખાનામાં નર્સ તરીકેની સેવા બજાવતી હોઇ, ૨૭ એપ્રિલના રોજ સાંજના સમયે પોતાની નોકરીથી છુટી સવા છ વાગ્યાના અરસામાં ઢોકલીયા ત્રણ રસ્તા ઉપર પોતાના ઘરે જવા માટે વાહનની રાહ જાેઇને ઉભા રહ્યા હતા. દરમિયાન એકાદ કલાક પછી એક ઈકો ગાડી નંબર જી.જે.૦૫ જે. એલ. ૩૨૧૭નો ચાલક પોતાની ગાડી લઈને આવી જણાવેલ કે હું કલારાણી તરફ્ જઉ છું આવવું હોય તો ચાલો તેમ કહેતા નર્સ તેમજ કલારાણીના અન્ય બે પેસેન્જર ઈકો ગાડીમાં બેઠા હતા. કલારાણી ગાડી પહોંચતા તેમાંથી કલારાણીના પેસેન્જરો ઉતરી ગયા હતા. ગાડી ચાલકે જણાવ્યું હતું કે મારે હજુ આગળ જવાનું છે તેથી નર્સબેને કહ્યુ કે મારા ગામ નજીક ઉતારી દેજાે. કલારાણીથી ગાડી નીકળી ત્યારે નર્સ બેને કહ્યું કે મારા ગામે ઉતારી દેજાે જે પણ થતું હોય એટલું ભાડું લઈ લો કહી ૨૦ રૂપિયા ગાડી ચાલકને આપ્યા હતા. પરંતુ તેને ભાડું લીધુ નહીં. નર્સનું ગામ નજીક આવતા ગાડી ઉભી રાખવા જણાવવા છતાં ગાડી ઉભી રાખી નહીં. રસ્તામાં જ્યાં ઝાડિયો હતી તેની પાસે ગાડી ઉભી રાખી નર્સને બાથમાં પકડી લેતા, નર્સે બૂમાબૂમ કરી હતી.
ગાડી ચાલકે નર્સના જમણા ગાલ ઉપર લાફે મારી દીધો હતો. નર્સે બંને હાથ વડે જાેરથી ધક્કો મારી ગાડી ચાલકના હાથમાંથી છટકી જઈ ગાડીનો દરવાજાે ખોલી ત્યાંથી બૂમાબૂમ કરતી ભાગી હતી. ત્યારે ગાડી ચાલકે પોતાની ગાડી રિવર્સ કરી નર્સ તરફ્ લઈ આવતા હતા તેમજ તે સમયે જણાવેલ કે જાે તું કોઈને કહીશ તો તને મારીશ તેમ જ ગાળો બોલી ધમકી આપવા લાગ્યો હતો. આ સમયે નર્સે બુમાબુમ કરતા આજુબાજુના ગામના કેટલાક માણસો દોડી આવ્યા હતા.ઈકો ગાડીના ચાલકે માણસો આવતા જાેઈ પોતાની ગાડી સ્થળ ઉપર મૂકી જંગલ તરફ્ નાસી ગયો હતો. રાત્રીના સાડા આઠની આસપાસ બનેલી આ ઘટના અંગે નર્સે કરાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા ઈકો ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાની તપાસ કરાલી પીએસઆઇ આર. જે. ચોટલિયા કરી રહ્યા છે.