AAP પાર્ટીનું પ્રતિનિધિ મંડળ રાજ્યપાલને મળશે, જાણો કયા મુદ્દાઓ અંગે કરશે રજુઆત
02, સપ્ટેમ્બર 2021

ગાંધીનગર:

રાજ્યમાં પ્રવર્તમાન પરિસ્થિતિ, વરસાદી ઘટ અને ગામડાઓની સ્થિતિ અંગે અને શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાનની ખાનગી શાળા-કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની 50 ટકા ફી માફ કરવા સહિતના મુદ્દે આમ આદમી પાર્ટી ગુજરાતનું એક પ્રતિનિધિ મંડળ આવતી કાલે શુક્રવારે રાજયપાલ આચાર્ય દેવવ્રતને મળશે.

આમ આદમી પાર્ટી-આપ, ગુજરાત દ્વારા જણાવાયું છે કે, પ્રવર્તમાન પરિસ્થિતિમાં ગુજરાતનાં ખેડૂતો સાથે પાર્ટી ખભે ખભો મિલાવીને ઊભી છે. રાજ્યમાં વરસાદ છેલ્લા કેટલાક દિવસોથી હાથતાળી આપી રહ્યો છે, ત્યારે ગુજરાત સરકારની સંવેદના ઊંઘી રહી છે. ખેડૂતોને કાયદેસર સરકારની જાહેરાત અનુસાર મળવી જોઈતી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, એસ.ડી.આર.એફ.ની યોજનાઓના અમલ અંગે ગુજરાત સરકાર મૌન છે. દુષ્કાળ મેન્યુઅલ ભૂલાયું છે, સરકારની સંવેદના પણ કોમામાં છે તેમ આમ આદમી પાર્ટી દ્વારા જણાવાયું છે.

આપ દ્વારા જણાવાયું છે કે, આજે સમગ્ર દેશ સહિત ગુજરાતની પ્રજા પણ કોરોના મહામારીના કારણે અનેક પ્રકારની સમસ્યાઓથી પીડાઈ રહી છે. આર્થિક સમસ્યા તે પૈકીની સૌથી મુખ્ય અને ગંભીર સમસ્યા છે. કારણ કે, આજે તમામ લોકોના ધંધા-રોજગાર ભાંગી પડ્યા છે. લોકો પાસે પોતાનું ગુજરાન ચલાવવાના પૈસા પણ નથી એવી પરીસ્થિતિમાં ખાનગી શાળાની ફી તો વાલીઓ બિચારા કેવી રીતે ભરી શકે ? આ સંજોગોમાં હાલ રાજ્યમાં પ્રવર્તમાન પરિસ્થિતિ, ખાસ તો વરસાદી ઘટ અને ગામડાઓની સ્થિતિ અંગે અને રાજ્ય સરકાર પાસે ગામડાંની જનતાની અપેક્ષાઓ અને શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાનની ખાનગી શાળા-કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની 50 ટકા ફી માફ કરવા બાબતે આમ આદમી પાર્ટી-આપ, ગુજરાતનું એક પ્રતિનિધિ મંડળ સરકારની સંવેદનાને ઢંઢોળવા માટે તા. ત્રીજી સપ્ટેમ્બરને આવતી કાલે સાંજે 5 કલાકે રાજયપાલ આચાર્ય દેવવ્રતને મળશે. જેના આપ દ્વારા ખેડૂતોની માગણીઓ અને સરકારની યોજનાઓનો તાકીદે અમલ કરાવવા માટે રાજયપાલને રજૂઆત કરવામાં આવશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution