24, નવેમ્બર 2023
વડોદરા, તા.૨૩
કોઠી કચેરીના પહેલા માળે જમીન સંપાદન વિભાગની કચેરીમાં લાગેલી આગના બનાવમાં પકડાયેલા આરોપીની માનસિક સ્થિતિ બરાબર નથી તેવુ તેના સ્વજનોએ જણાવ્યુ હતુ. આજે પોલીસની ટીમ જેલમાંથી આરોપીને સાથે લઈને મેન્ટલ હોસ્પિટલમાં પહોંચી હતી. જ્યાં માનસિક રોગના ડોક્ટરોએ એની તપાસ કરી હતી. તબીબી તપાસ પછી આરોપીને પાછો જેલમાં મોકલી દેવાયો હતો.
આરોપી આકાશ સોનારને પોલીસે કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે આરોપીને જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. આરોપી આકાશની માનસિક સ્થિતિ બરાબર નથી તેવુ તેના સ્વજનોએ પોલીસને જણાવ્યુ હતુ. એટલે આજે પોલીસે તેની તબીબી તપાસ કરવાનો ર્નિણય લીધો હતો. રાવપુરા પોલીસ મથકના પીઆઈ પૂજા તિવારીએ જણાવ્યુ હતુ કે, આરોપી આકાશ સોનારની માનસિક સ્થિતિ વિષે જાણવા માટે આજે તેને જેલમાંથી મેન્ટલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં માનસિક રોગના તબીબોએ તેની પ્રાથમિક તપાસ કરી હતી. જાેકે, તેની સ્થિતિ વિષે જાણવા માટે વધુ ટેસ્ટ કરવાના હોઈ પોલીસ એને પાછી લઈ ગઈ હતી. મોડીસાંજે આરોપીને પાછો જેલ હવાલે કરવામાં આવ્યો હતો.