ગુરૂગ્રામ-

દેશમાં દરરોજ વધી રહેલા કોરોના સંક્રમણના કેસ વચ્ચે ઓક્સિજનની ભારે તંગી વ્યાપી છે. ઓક્સિજનની તંગીના કારણે કોરોનાના અનેક દર્દીઓ દમ તોડી રહ્યા છે. હોમ આઈસોલેશનમાં રહેતા કોરોના સંક્રમિતો પણ ઓક્સિજનની તંગીના કારણે ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. ત્યારે ગુરૂગ્રામ પ્રશાસને હોમ આઈસોલેશનમાં રહેતા કોરોના સંક્રમિતો માટે એક મહત્વનો ર્નિણય લીધો છે.

ગુરૂગ્રામમાં હોમ આઈસોલેશનમાં રહેતા કોરોના સંક્રમિતોને સમયસર ઓક્સિજન મળી રહે તે માટે જિલ્લા પ્રશાસને એમેઝોન અને ઝોમેટો જેવી કંપનીઓની મદદ લેવાનો ર્નિણય લીધો છે. ગુરૂગ્રામ જિલ્લા પ્રશાસન હોમ આઈસોલેશનમાં રહેતા કોરોના સંક્રમિતોને ઘરે સમયસર ઓક્સિજન પહોંચે તે માટે એમેઝોન, ઝોમેટો, ડેલ્હિવરી જેવી પ્રોફેશનલ ડિલિવરી એજન્સીઓ ઉપરાંત એનજીઓનો સહયોગ લઈ રહ્યું છે. ગુરૂગ્રામ જિલ્લા પ્રશાસને આ અંગે આદેશ બહાર પાડી દીધા હતા. જિલ્લાઅધિકારીએ સમયસર ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે એક ટીમની રચના પણ કરી છે. આઈએએસ અધિકારીને આ ટીમની કમાન સોંપવામાં આવી છે. આ ટીમ હોમ આઈસોલેશનમાં રહેતા કોરોના સંક્રમિતોને સમયસર ઓક્સિજનની ડિલિવરી સુનિશ્ચિત કરશે.