ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ દિગ્ગજોને સ્થાન મળ્યું

મુંબઈ-

ભારતીય ક્રિકેટ બોર્ડે ટી-૨૦ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. બુધવારે મુંબઈમાં મુખ્ય પસંદગીકાર ચેતન શર્માની આગેવાની હેઠળની પસંદગી સમિતિની બેઠકમાં ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી હતી. ટી-૨૦ વર્લ્ડ કપ ૧૭ ઓક્ટોબરથી ઓમાન અને યુએઈમાં રમાશે. તેની ફાઇનલ ૧૪ નવેમ્બરે થશે.

ભારતીય ટીમ ૨૪ ઓક્ટોબરે કટ્ટર હરીફ પાકિસ્તાન સામેની મેચથી તેના સુપર ૧૨ તબક્કાની શરૂઆત કરશે.

૧૫ સભ્યોની ટીમ નીચે મુજબ છે 

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ-કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રીષભ પંત (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી.

સ્ટેન્ડબાય પ્લેયર-

શ્રેયસ ઐયર, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર.

આઠ ક્વોલિફાઇંગ ટીમો ટુર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં ભાગ લેશે. આમાંથી ચાર ટીમો સુપર ૧૨ રાઉન્ડમાં પહોંચશે. પ્રારંભિક રાઉન્ડમાં આઠ ટીમોમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, આયર્લેન્ડ, નેધરલેન્ડ, સ્કોટલેન્ડ, નામિબિયા, ઓમાન અને પાપુઆ ન્યૂ ગિનીનો સમાવેશ થાય છે.

ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારતને પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન સાથે સુપર ૧૨ ના ગ્રુપ-૨ માં સ્થાન આપવામાં આવ્યું છે. તે જ સમયે ગ્રુપ-૧ માં વર્તમાન ચેમ્પિયન વેસ્ટ ઇન્ડીઝ, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા છે. ક્વોલિફાઇંગ રાઉન્ડમાંથી, દરેક જૂથમાંથી બે-બે ટીમો આ બે જૂથોમાં જોડાશે.

સચિવ જયશાહના જણાવ્યા અનુસાર 'ભારતના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની ટી ૨૦ વર્લ્ડ કપ માટે ટીમને માર્ગદર્શન આપશે.'

આગામી ટૂર્નામેન્ટ ૨૦૧૬ પછીનો પ્રથમ ટી-૨૦ વર્લ્ડ કપ હશે. છેલ્લી વખત વેસ્ટ ઇન્ડીઝે ઇંગ્લેન્ડને હરાવીને ટાઇટલ જીત્યું હતું. ભારતે સુપર-૧૦ ની ગ્રુપ મેચમાં પાકિસ્તાનને ૬ વિકેટે હરાવ્યું હતું. સેમિફાઇનલમાં ભારતને વિન્ડીઝના હાથે ૭ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution