અમદાવાદ-

જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ ગુજરાતમાં રાજકીય તાપમાનનો પારો ઊંચે ચડી રહ્યો છે, આજે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આપેલા એક નિવેદનમાં રાજ્ય સરકાર પર આક્ષેપ કરતા કહ્યું હતું કે કોરોના કાળમાં ગુજરાત સરકારની કામગીરી નિષ્ફ્ળ રહી છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ઘણા બધા મુદ્દે ચર્ચા કરી હતી જેમાં મુખ્યત્વે તેમણે જ્ણાવ્યુ હતું કે અમે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ૫૦ ટકા નવા ચહેરાને સ્થાન આપ્યું છે અને મેન્ડેટ મુદ્દે જે ગેરરીતિ કરવામાં આવી છે તે મુદ્દે અમે કાર્યવાહી કરીશું.

આ સિવાય કોરોના કાળમાં સરકારની કામગીરીના એક પ્રશ્ન મુદ્દે તેમણે જણાવ્યું હતું કે કોવિડના સમયમાં સરકારની કામગીરી નિષ્ફ્ળ રહી છે અને આ સમયમાં હવે લોકો મંદી અને મોંઘવારીના બેવડા માર સામે ઝઝૂમી રહ્યા છે, લાંબા સમયથી ભાજપનું શાસન ધરાવતા મહાનગરોમાં લોકો હવે ભાજપના અત્યાચારથી કંટાળીને તેની સામે મતદાન કરશે એવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ સિવાય રાજ્યમાં યુવાનોની સ્થિતિના મુદ્દે બોલતા તેમણે કહ્યું હતું કે આજે રાજ્યમાં યુવાનો બેકાર છે,

અને લોકો ભાજપની શાસન કરવાની આ શૈલીથી ત્રાસી ગયા છે, માટે મહાનગરો સહિતના ક્ષેત્રોમાં લોકો હવે પરિવર્તન માટે મતદાન કરશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે કોંગ્રેસના આંતરિક ઘર્ષણના સવાલ પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું હતું કે હાલમાં ૮ હજાર બેઠકો પર એક લાખ જેટલા દાવેદારો હતા અને અમે ૫૦ ટકા નવા ચહેરા સાથે મેદાનમાં ઉતરવા જઇ રહ્યા છીએ, માટે અમુક જગ્યાએ નારાજગી ચોકક્કસ છે, પણ તમામ લોકો પાર્ટીની સાથે હોવાનો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.