વડોદરા, તા.૧૭

ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયને કોર્પોરેટ હાઉસના ઢાંચામાં ઢાળવાની ઘેલછાના ભાગરૂપે ભાડે રખાયેલો ‘વિકાસ’ તેના પર થતી જાેરજુલમની છીછોરાગીરીથી કંટાળીને

ગૃહત્યાગ કરી ગયો છે.

છેલ્લા લગભગ એક સપ્તાહથી ભાજપાના આંતરિક જૂથોમાં ચાલતી ચર્ચા મુજબ વડોદરા શહેર ભાજપા પ્રમુખના હોદ્દા પર નીમાતા જ ડો. વિજય શાહે સંગઠનના લોકસંપર્ક - લાયેઝન અધિકારી તરીકે ‘વિકાસ’ નામના એક ઈસમને રીતસર નોકરીએ રાખ્યો હતો. આ વિકાસ સંગઠનના હોદ્દેદારો અને શહેર પ્રમુખના ઈશારે સરકારી કચેરીઓ - ખાનગી સંગઠનો - વ્યક્તિવિશેષો - આઈએએસ-આઈપીએસ અધિકારીઓને મળી તેને સોંપાયેલા કામોને અંજામ અપાવતો. સંગઠન દ્વારા જે તે સ્થળે ફોન થતો કે ‘વિકાસ’ આવશે અને ફલાણું કામ છે... વિકાસ જતો અને કામ પતાવડાવી પરત ફરતો.

કહેવાય છે કે તાજેતરમાં સંગઠનના જ એક જવાબદાર હોદ્દેદાર અને તેના જાેર પર કૂદતા એક ભાજપા કાર્યકરે ‘વિકાસ’ સાથે જાહેરમાં અભદ્ર વર્તન કર્યું. આ વર્તન સાંખી નહીં શકનાર વિકાસને પોતાના સ્વમાનના ભોગે ‘નોકરી’ કરવાનું મુનાસિબ નહીં લાગ્યું અને એણે એ ક્ષણે જ સંગઠન અને તેના આકાને મૌખિક રાજીનામા રૂપે લાત મારી મનુભાઈ ટાવર છોડી દીધું!

‘વિકાસ’ - વિકાસ કરીને સત્તારૂઢ થયેલી ભારતીય જનતા પાર્ટી એક ‘વિકાસ’ નામના ઈસમને પણ જાળવી નથી શકી તો તેની પાસે આ શહેરે કયા વિકાસની અપેક્ષા રાખવી જાેઈએ એ પ્રશ્ન જાણકારો દ્વારા પૂછાઈ રહ્યો છે.