મગફળીની બારદાનનો ખર્ચ, મજૂરીનો ખર્ચ અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ખેડૂતો વતી રાજ્ય સરકાર ભોગવશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, ઓક્ટોબર 2020  |   891

અમદાવાદ-

મગફળીની ટેકાના ભાવે ખરીદી દરમિયાન બારદાનમાં ૩૫ કિલોના બદલે ૨૫ કિલો મગફળી ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આજે ગુજરાત રાજ્યના મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. અન્ન નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયાએ જણાવ્યું હતું કે મગફળીની ટેકાના ભાવે ખરીદીનો આગામી ૨૧મી ઓકટોબરથી શુભારંભ કરવામાં આવશે. અત્યારસુધીમાં સવા ચાર લાખ ખેડૂતોએ મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. મગફળીની ખરીદી દરમિયાન બારદાનનો ખર્ચ, મજૂરી ખર્ચ અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ખેડૂતોવતીથી રાજ્ય સરકાર ભોગવશે. 

અન્ન નાગરિક પુરવઠા મંત્રીએ જણાવ્યું છે કે, સમગ્ર ગુજરાતમાં આગામી ૨૧મી ઓકટોબરથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. આ ખરીદી વખતે બારદાનમાં ૩૫ કિલોના બદલે ૨૫ કિલો મગફળી ભરવાનો સરકારે ખેડૂતના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે. 

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને  મંત્રીમંડળની બેઠકમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી અંગે ધારાસભ્યો અને ખેડૂત આગેવાનો દ્વારા મળેલ રજૂઆતો સંદર્ભે વિસ્તૃત ચર્ચા-વિચારણા કર્યા બાદ આ મહત્વનો નિર્ણય કરાયો છે. મગફળીની ટેકાના ભાવે ખરીદી અંગે ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાલ ચાલુ છે અત્યાર સુધીમાં સવા ચાર લાખ જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા આગામી તા.૨૦મી ઓકટોબર સુધી ચાલશે. ૨૧મી ઓકટોબરથી રાજ્યભરમાં નાફેડના સંકલનમાં રહીને ખરીદી પ્રક્રિયા શરૂ કરાશે. ગત વર્ષે રાજ્ય સરકારે ૪.૭૦ લાખ મેટ્રિક ટન મગફળી ટેકાના ભાવે ખરીદી કરી હતી અને આ વર્ષે પણ ૪.૭૦ લાખ મેટ્રિક ટનથી વધુ મગફળી ખરીદવામાં આવે તેવો અંદાજ છે. 

જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે મગફળીની ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર સરકારના એફએકયુ અને નાફેડ દ્વારા કરાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ છેલ્લા બે વર્ષમાં સરકારે મગફળીની ખરીદી દરમિયાન બારદાનમાં ૩૫ કિલોમાં ભરાવો કરવાનો નિર્ણય કર્યો હતો અને આ વર્ષે પણ ખેડૂતોના હિતમાં બારદાનમાં ૨૫ કિલો મગફળી ભરવાનો નિર્ણય કર્યો છે. જેનાથી ખેડૂતોની મુશ્કેલી ઘટશે અને સાથેસાથે બારદાનનો ખર્ચ, મજૂરીનો ખર્ચ અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ખેડૂતો વતી રાજ્ય સરકાર ભોગવશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution