વડોદરા, તા.૨૧

શહેરના અકોટા - દાંડિયાબજાર ચાર રસ્તા પર આવેલી સરકારી ટેક્નિકલ હાઈસ્કૂલનો જર્જરિત ભાગ મોડીરાત્રે ધડાકાભેંર તૂટી પડ્યો હતો. સદનસીબે ઘટના મોડીરાત્રે બની એટલે હાઈસ્કૂલ બિલકુલ ખાલી હતી. સવારે સ્કૂલના સંચાલકોએ હિટાચી મશીન મગાવીને જર્જરિત ઈમારતને સલામત રીતે તોડાવીને જમીન દોસ્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, ઈમારત જર્જરિત હોવાથી ૧ જાન્યુઆરીથી એમાં શિક્ષણકાર્ય સદંતર બંધ કરી દેવામાં આવ્યુ હતુ અને તમામ ક્લાસને બાજુની ઈમારતમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા.

અકોટા-દાંડિયાબજાર ચાર રસ્તા પાસે અરવિંદ આશ્રમની બાજુમાં વર્ષ ૧૯૬૦થી સરકારના ડાયરેક્ટર ઓફ ટેક્નિકલ એજ્યુકેશન અંતર્ગત ચાલતી સરકારી ટેક્નિકલ હાઈસ્કૂલ કાર્યરત છે. અહીં લગભગ દોઢસોથી વધારે વિદ્યાર્થીઓ ટેક્નિકલ

શિક્ષણ લેવા માટે આવે છે. સ્કૂલની ઈમારત વર્ષ ૧૯૬૦માં બની હોવાથી આજે ૬૪ વર્ષે એની દિવાલો અને સ્લેબ જર્જરિત થઈ ગયા છે. તાજેતરમાં હાઈસ્કૂલની એક બાજુની ઈમારતનાં સ્લેબના પોપડા ખરવાના શરૂ થયા હતા. જેથી સ્કૂલ સંચાલકોએ આ ઈમારતનો ઉપયોગ બંધ કરી દેવાનો ર્નિણય લીધો હતો. ૧ જાન્યુઆરીથી જર્જરિત ઈમારતનો ઉપયોગ બંધ કરી દેવાયો હતો અને તેમાં ચાલતા તમામ ક્લાસોને બાજુની ઈમારતમાં શિફ્ટ કરી દેવાયા હતા.

દરમિયાન ગઈકાલે રાત્રે લગભગ અઢી વાગ્યાના સુમારે અચાનક મોટા ધડાકા સાથે આ જર્જરિત ઈમારતનો એક હિસ્સો તૂટી પડ્યો હતો. અડધીરાત્રે બનેલા આ બનાવથી આસપાસના લોકો જાગીને સ્કૂલ પાસે દોડી આવ્યા હતા. રાતોરાત આ બાબત સ્કૂલના સંચાલકોને પણ જાણવા મળી હતી એટલે ખોટો સમય વેડફ્યાં વિના સ્કૂલ સંચાલકોએ હિટાચી મશીન મગાવીને વહેલી સવારથી જ આ જર્જરિત ઈમારતને ઉતારી લેવાની કામગીરી શરૂ કરાવી હતી. બપોર સુધીમાં તો આખેઆખી ઈમારત જમીન દોસ્ત કરી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ સરકારી ઈમારતમાં ઈલેક્શન બુથ રાખવામાં આવે છે. જેમાં વડોદરાનું રાજવી પરિવાર વોટિંગ કરે છે.