દહેજ ભુખ્યા પતિએ પત્નિને કહ્યું-તું પણ આઈશાની જેમ વીડિયો બનાવ અને આપઘાત કરી લે

અમદાવાદ-

અમદાવાદ શહેરમાં આઈશા નામની પરિણીતાએ થોડા મહિનાઓ પહેલાં સાબરમતી રિવરફ્રન્ટ પર લાગણીસભર વીડિયો બનાવીને આપઘાત કરી લીધો હતો. આ ઘટના દેશના ખૂણે ખૂણે ચર્ચાઈ હતી. હજી લોકો આ ઘટનાને ભૂલ્યા નથી. ત્યારે શહેરના શાહપુર વિસ્તારમાં રહેતી પરિણીતાને તેના પતિ અને સાસરિયાંએ કહ્યું હતું કે તું પણ આઈશાની જેમ વીડિયો બનાવીને આપઘાત કરી લે. પરિણીતાએ દહેજ ભૂખ્યા સાસરિયાં સામે ફરિયાદ નોંધાવી છે.પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમદાવાદ શહેરના શાહપુર પોલીસ સ્ટેશનમાં પરવીન ( નામ બદલ્યું છે)ના લગ્ન સમાજના રીતરિવાજ મુજબ કાસમ ( નામ બદલ્યું છે) સાથે થયા હતા.

લગ્ન બાદ પરવીન સાસરે ગઈ ત્યારથી તેને વધુ ભણેલી હોવાથી નોકરી કરવા માટે સતત દબાણ કરવામાં આવતું હતું. પરણીને સાસરીમાં ગયા બાદ પરવીન જેમતેમ કરીને પોતાના દિવસો કાઢતી હતી. જ્યારે ઘરમાં કોઈ ના હોય ત્યારે પણ વધારાના કામ કાઢીને પરવીન પાસે કરાવવામાં આવતાં હતાં. તેની પાસે સતત દહેજ માટે પણ દબાણ કરવામાં આવતું હતું.પરવીન સાસરિયાં અને પતિના સતત ત્રાસને કારણે કંટાળી ગઈ હતી. તેણે પિયરમાં પોતાની સાથે થઈ રહેલા અત્યાચાર અંગે વાત કરી હતી. દહેજ ભૂખ્યા સાસરિયાં તથા નજીકનાં સ્વજનો પણ પરવીન સામે શંકાની નજરથી જાેતાં હતાં. ઘરમાં વધી રહેલા ઝગડાને કારણે કાસમે પરવીનને કહી દીધું હતું કે આયેશા જેવો વીડિયો બનાવ અને આપઘાત કરી લે. પતિના આ શબ્દો સાંભળીને પરવીન હચમચી ગઈ હતી. બાદમા તે પિયરમા રહેવા ગઈ હતી.સાસરિયાં અને પિતાના સતત માનસિક અને શારીરિક ત્રાસને કારણે આખરે પરવીને શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેણે ફરિયાદમાં સાસરિયાં અને પતિ સતત રૂપિયા માટે દબાણ કરતાં હોવાની વાતનો ઉલ્લેખ કર્યો છે. એ ઉપરાંત તેણે ફરિયાદમાં એવું પણ લખાવ્યું છે કે તેના પતિએ તેને હેરાન કરવામાં તમામ પ્રકારની હદ વટાવી દીધી છે. પતિએ એટલે સુધી કહી દીધું હતું કે હવે તું આઈશાની જેમ વીડિયો બનાવીને આપઘાત કરી લે. પરવીનની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.આઈશા આરીફા નામની યુવતીએ સાબરમતીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. તેણે "એ પ્યારી સી નદી કો પ્રે કરતે હૈ કી વો મુજે અપને આપ મેં સમા લે" આ શબ્દો બોલી અને પતિના ત્રાસ છતાં તેના વિશે પ્રેમના શબ્દો બોલી હસતાં હસતાં દર્દ છુપાવતો વીડિયો બનાવી અમદાવાદના વટવામાં એક પરિણીતાએ સાબરમતી નદીમાં કૂદી આપઘાત કરી લીધો હતો. નદીમાં કૂદતાં પહેલાં તેણે પતિને ફોન કર્યો હતો અને મરી જવાની વાત કરી હતી. જિંદગીના અંત પહેલાં એક વીડિયો બનાવ્યો હતો. પતિના ત્રાસના કારણે આઈશાએ સાબરમતિ નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. આ ઘટનનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યાં હતાં.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution