વડોદરા, તા.૧૮

હંમેશાં વિવાદો માટે જાણીતા વાઘોડિયાના ધારાસભ્ય અને અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવની મુશ્કેલીઓમાં વધારો થયો છે. મધુ શ્રીવાસ્તવ દ્વારા આપવામાં આવેલી ધમકીની ચૂંટણી પંચ દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી હતી અને તેઓ સામે ચૂંટણી પંચ દ્વારા આચારસંહિતા ભંગ માટેની કાર્યવાહી હાથ ધરી છે. ચૂંટણી પંચે જિલ્લા કલેક્ટર પાસે સુઓમોટો રિપોર્ટ માંગ્યો છે.

ભાજપે વાઘોડિયા બેઠકના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ટિકિટ ન આપતાં તેઓએ અપક્ષ ઉમેદવારીપત્ર ભર્યું હતું. ઉમેદવારીપત્ર ભર્યા બાદ એકત્રિત ટેકેદારોને સંબોધતાં મધુ શ્રીવાસ્તવે જાહેરમાં સમર્થકોને જણાવ્યું હતું કે, કોઈનાથી ડરશો નહીં, આ બાહુબલી હજી ઊભો છે, તમારો કોઈ કોલર પકડે તેના ઘરમાં જઈને ગોળી ના મારું તો હું મધુ શ્રીવાસ્તવ નહીં તેવી જાહેરમાં ધમકીભર્યા ઉચ્ચારણો કરતાં રાજ્ય ચૂંટણી પંચે મધુ શ્રીવાસ્તવના આ વિવાદાસ્પદ ઉચ્ચારણો અંગે જિલ્લા કલેકટર પાસે રિપોર્ટ મંગાવી કાર્યવાહી હાથ ધરી છે.

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા માંગવામાં આવેલા રિપોર્ટ અંગે જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી અતુલ ગોરે જણાવ્યું હતું કે, રાજ્ય ચૂંટણી પંચે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કરેલા નિવેદન અંગે રિપોર્ટ માંગ્૬યો છે, તે રિપોર્ટ અંગેની અમે માહિતી મેળવી છે અને ચૂંટણી પંચને રિપોર્ટ મોકલી આપ્યો છે. આ સમગ્ર મામલે ચૂંટણી પંચ વધુ રિપોર્ટ માંગશે તો આપીશું. આ અંગે મધુ શ્રીવાસ્તવે જણાવ્યું કે મને કોઇ ચૂંટણી પંચે નોટિસ કે સમગ્ર ઘટના સંદર્ભે ચૂંટણી અધિકારીએ દ્વારા કોઇ જવાબ માંગવામાં આવ્યો નથી. જ્યારે જવાબ માંગશે ત્યારે આપીશ. હું કાયદામાં રહીને ચૂંટણી લડવા માંગુ છું અને કાયદાને માન-સન્માન આપું છું. બીજી તરફ હવે ચૂંટણી પંચે મધુ શ્રીવાસ્તવના ઉચ્ચારણોની ગંભીર નોંધ લીધી છે, હવે ચૂંટણી પંચ આ સમગ્ર મામલે આગળ શું કાર્યવાહી કરે છે તેના પર સૌની મીટ છે.