સ્મશાનને પોતાનું ઘર માનીને કોરોનાથી મૃત્યુ પામેલા મૃતકોની અંતિમ વિધિ કરતુ પરિવાર
21, એપ્રીલ 2021 495   |  

વડોદરા-

વડોદરા શહેરનું એક એવું પરિવાર કે જે સ્મશાનને પોતાનું ઘર માનીને છેલ્લા એક વર્ષથી સ્મશાનમાં રહીને કોરોનાથી મૃત્યુ પામેલા મૃતકોની અંતિમ વિધિની તમામ જવાબદારી ઉઠાવી રહ્યું છે. મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ વડોદરામાં રહેતા કનૈયાલાલ સિર્કે કલર કામનો વ્યવસાય કરતા હતા, પરંતુ લોકડાઉનના કારણે રોજગારી ગુમાવતા તેમને આમતેમ ભટકીને જીવન ગુજારવાનો વારો આવ્યો હતો. છેવટે કોઈ સહારો ન મળતા તેમને પોતાના પરિવાર સાથે સ્મશાન રહેવાનું નક્કી કર્યું.

હાલ કોરોનાની મહામારીના કારણે કેટલાક સ્વજનો મૃતકની અસ્થિ તો દૂર મૃતદેહને હાથ લગાડવા પણ તૈયાર નથી હોતા તેવામાં તેઓ પોતે અસ્થિઓને એકત્રિત કરી સ્વ ખર્ચે નદીમાં વિસર્જિત કરી મૃતકને મોક્ષની પ્રાપ્તિ થાય તેવું કાર્ય કરી રહ્યા છે. મહત્વનું છે કે કનૈયાલાલના આ ભગીરથ કાર્યની જાણ કેટલીક સામાજિક સંસ્થાઓને થતા તેઓએ કનૈયાલાલ ને કામ સામે વળતર આપવા સહિત પરિવારનું ભરણપોષણ કરવાની જવાબદારી ઉપાડી છે. સામાન્ય રીતે નાગરિકો સ્મશાનમાં જવાનું ટાળતા હોય છે અથવા તો તેમને ડર સતાવતો હોય છે તેવામાં આ પરિવાર પોતે સ્મશાનમાં રહીને સેવા કાર્ય કરતા તેમના આ પુન્ય કાર્યની સરાહના સમગ્ર શહેર માં થઈ રહી છે. કનૈયાલાલ છેલ્લા એક વર્ષથી તેમની પત્ની તેમજ નાના બાળકો સાથે શહેરના વાસણા સ્મશાનમાં રહીને કોરોનાથી મૃત્યુ પામેલા મૃતકોના મૃતદેહની અંતિમ ક્રિયાથી માંડીને સ્વખર્ચે અસ્થિ વિસર્જન સુધીનું ભગીરથ કાર્ય કરે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution