અમદાવાદ, દેશમાં ખેડૂતો પોતાના હક માટે છેલ્લા કેટલાક સમયથી આંદોલન ચલાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ અમદાવાદમાં ભાજપના નરોડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય બલરામ થાવાણીએ  ધારાસભ્ય તરીકે ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. જે અંગે ધારાસભ્ય બલરામ થાવાણીની કુબેરનગર ખાતેની ઓફિસ ઉપર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. એકઠી થયેલી ભીડે સોશિયલ ડિસ્ટન્સના સરા જાહેરમાં ધજાગરા ઉડાવ્યા હતા.  

આ પ્રસંગે ઉપસ્થિત સ્થાનિક મેઘાણીનગર પોલીસ માત્ર મૂક પ્રેક્ષક બની નજારો જાેઈ રહી હતી. જ્યારે ધારાસભ્ય બલરામ થાવાણી પોતાની બાજુમાં માસ્ક પહેર્યા વગરના સમર્થકો સાથે ફોટા પડાવી રહ્યા હતા. ત્યારે માસ્ક વિનાની સામાન્ય જનતા પાસેથી પઠાણી દંડ વસુલ કરી રહેલી પોલીસ મૂક પ્રેક્ષક બનીને તમાશો જાેઈ રહી હતી. ગુજરાતમાં કાયદાનો અમલ કરાવવાળા જ કાયદાનો ભંગ કરતા નજરે પડે તો તેની અસર આમ જનતા પર પડ્યા વિના રહેતી નથી. અમદાવાદમાં ભાજપના નરોડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય બલરામ થાવાણી યેન કેન પ્રકારે સતત ચર્ચામાં જ રહ્યા છે. ત્યારે આજે વધુ એક વખત ધારાસભ્ય બલરામ થાવાણી ચર્ચામાં આવ્યા છે. બલરામ થાવાણીના ધારાસભ્ય થયાના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. આ ત્રણ વર્ષ પૂરાં થયાંની ખુશીમાં થાવાણીની કુબેરનગર ખાતેની ઑફિસે જ કાર્યકરોનો જમાવડો થયો હતો. ધારાસભ્ય બલરામ થાવાણીની ઓફિસ ઉપર એકઠાં થયેલાં ભાજપના કાર્યકરોએ સરા જાહેર કોવિડ-૧૯ કોરોના મહામારીના જાહેરનામાનો ભંગ કરીને ધજાગરા ઉડાવ્યા હતા. આ પ્રસંગે સ્થાનિક પોલીસ મથકનો કાફલો ઉપસ્થિત હતો. પરંતુ આ પોલીસ કાફલો માત્ર મૂક પ્રેક્ષક બની તમાશો જાેયા કર્યો હતો.  ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીની વિરુદ્ધ પોલીસ ગુનો દાખલ કરશે કે કેમ? તે દેશની ભોળી જનતા સવાલો કરી રહી છે. સામાન્ય નાગરિકોને પોતાના લગ્ન, મરણ માટે પોલીસ પાસે પરવાનગી લેવા માટે કમર કસવી પડી રહી છે. ત્યારે ભાજપ સત્તાના નશામાં મશગૂલ બની આમ જનતાની ભાવના સાથે રમી રહી છે. આ દ્રશ્યો જાેઈને કોરોનાનો કેર વધુ વકરે તેવી ભીતી પણ સેવાઈ રહી છે.