વડોદરા, તા. ૪

વડોદરામાં મંગળવારના રોજ ફૂટવેરના હોલસેલર વેપારીઓએ દુકાન અડધો દિવસ બંધ રાખીને ૧૨ ટકા જીએસટીનો વિરોધ કર્યો હતો. કેન્દ્ર સરકારે ફૂટવેર પર ૫ ટકાથી વધારીને સીધો ૧૨ ટકા જીએસટી લાદી દેવાના સરકારના ર્નિણયનો વિરોધ કર્યો છે. બાજવાડા વિસ્તારમાં ફુટવેરના વેપારીઓએ અડધો દિવસ દુકાન બંધ રાખી જીએસટી દર૫ ટકા યથાવત રાખવાની માંગ કરી હતી. અને પ્લેકાડ્‌ર્સ સાથે દેખાવો યોજ્યા હતા.અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જીએસટીમાં વધારો પાછો ખેંચવાની માંગ સાથે વિરોધ કર્યો હતો.

જીએસટીમાં વધારો કરાતા વિરોધ કરી રહેલા વેપારીઓએ આ અંગે જણાવ્યુ હતુ કે , ફૂટવેર પર પહેલા જીએસટી કે કોઇપણ પ્રકારનો વેરો નહતો.પરંતુ સરકાર દ્વારા તેના પર પાંચ ટકા જીએસટી નાંખવામાં આવ્યો હતો.આ ર્નિણયનો અમે સ્વીકાર કર્યો હવે સરકાર ૧૨ ટકા જીએસટી નાંખવાની વાત કરે છે તે અયોગ્ય છે. ૧૨ ટકા જીએસટીના કારણે આખો ધંધો તૂટી જશે. ૧૦ રૂપિયાની સ્લીપર થી લઇને જુદાજુદા ભાવની ચંપલો બજારમા વેચાય છે. નાના લારીવાળાઓ અને વેપારીઓ તેના પર રોજી કમાય છે. સરકારે લક્ઝરિયસ ચીજ વસ્તુઓ પર જીએસટી ટેક્સ વધારવો જાેઈએ. હાલ કાચા માલનો ભાવ વધવાથી મોંઘવારીના સમયમાં વધુ એક મુશ્કેલી ઊભી થઈ છે. સમગ્ર દેશમાં ફૂટવેરના વેપારીઓ, મેન્યુફેક્ચર, હોલસેલ, રિટેલર બધા બંધ પાળીને ૧૨ ટકા જીએસટીનો વિરોધ કર્યો છે.