માત્ર દારૂની ખેંપો મારવા માટે ટોળકીએ ૨૫ બાઈકની ચોરી કરી

વડોદરા : શહેરના વિવિધ વિસ્તારોમાંથી ટુવ્હીલર વાહનોની ચોરીઓ કરતી ગેંગને મકરપુરા પોલીસે ઝડપી પાડી તેઓની પાસેથી વાહનચોરીના ૨૫ તેમજ છોટાઉદેપુર જિલ્લાના દારૂબંધીના કુલ ૭ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. પ્રાથમિક તપાસમાં વડોદરામાં રહેતા મુખ્ય સુત્રધારે છોટાઉદેપુરમાં રહેતા તેના ૪ સાગરીતો માટે માત્ર દારૂની ખેંપો મારવા માટે જ વાહનોની ચોરી કરી તેઓને વેંચી દીધી હોવાની ચોંકાવનારી કબૂલાત કરી હતી. આ વિગતોના પગલે પોલીસે ટોળકી પાસેથી ચાર લાખની કિંમતની ચોરીની ૨૦ બાઈક કબજે કરી હતી. મકરપુરા વિસ્તારમાંથી ચાલુ વર્ષમાં વાહનચોરીના બનાવોમાં વધારો થતા પીઆઈ આર એ પટેલ સહિતના સ્ટાફે વાહનચોરો પર વોચ ગોઠવી હતી અને ટેકનીકલ સોર્સથી તપાસ શરૂ કરી હતી જેમાં મુળ પંચમહાલમાં ઘોઘંબા તાલુકાના કંકોડાકોઈ ગામનો વતની અને હાલમાં તરસાલીના વિશાલનગરમાં રહેતા નિતીન અરવિંદ સોલંકી ગઈ કાલે તરસાલી રોડ પરથી ચોરીની બાઈક સાથે ઝડપાયો હતો. પોલીસે તેની કડકાઈથી પુછપરછ કરતા તેણે ચોંકાવનારી કબૂલાત કરી હતી કે તેણે શહેરના મકરપુરા ,માંજલપુર, રાવપુરા, બાપોદ, ફતેગંજ, હરણી તેમજ સુરતના વરાછા અને છોટાઉદેપુર પોલીસ મથકની હદમાંથી કુલ ૨૫ બાઈકની ચોરીઓ કરી છે. તેણે આ બાઈકને તેના અન્ય ચાર સાગરીતો (૧) ઉદેસીંગ રમેશ રાઠવા- પટેલ ફળિયું, બાડવાવગામ,છોટાઉદેપુર (૨) તરજુ કરશન રાઠવા- વચલુફળિયું, લુણીગામ, છોટાઉદેપુર (૩) સરતન ઉર્ફ લાલુ ભીખલાલ રાઠવા- વાસલ ફળિયુ, નાની અમરોલગામ, પાવીજેતપુર (૪) દેસીંગ તેરસીંગ રાઠવા- ઘુમડીફળિયુ, લુણીગામ, છોટાઉદેપુરને વેંચી દીધી છે. આ વિગતોના પગલે પોલીસની અલગ અલગ ટીમોએ તુરંત ઉક્ત ચારેય આરોપીઓને તેઓના રહેણાંક મકાનેથી ઝડપી પાડ્યા હતા.  

આ ચારેયની પુછપરછ કરી પોલીસે તેઓએ અલગ અલગ સ્થળે છુપાવેલી વધુ ૧૯ બાઈક કબજે કરી હતી. મુખ્ય સુત્રધાર સહિત પાંચેય આરોપીઓની પોલીસે આટલી બધી બાઈક ચોરી કરવાનું કારણ પુછતા તેઓએ ઘટસ્ફોટ કર્યો હતો કે તેઓને માત્ર દારૂની ખેંપો મારવા માટે અલગ અલગ બાઈકની જરૂર પડતા તેઓ અત્રે નિતીન સોલંકીને જાણ કરતા હતા અને તે બાઈકચોરી કરીને તેઓને સસ્તા દરે વેંચી દેતો હતો. આ વિગતોના પગલે પોલીસે પાંચેય આરોપીઓની અટકાયત કરી તેઓની પાસેથી બાઈકચોરી તેમજ દારૂબંધીના કુલ ૩૨ ગુનાઓનો ભેદ ઉકેલ્યો હતો અને ટોળકી પાસેથી ૩.૯૯ લાખની કિંમતની કુલ ૨૦ બાઈક કબજે કરી હતી.

મુખ્ય સૂત્રધાર નીતિન એક દિવસના રિમાન્ડ પર

પોલીસે મુખ્ય સુત્રધાર અને રીઢો વાહનચોર નિતીન સોલંકીને ઝડપી પાડી તેનો કોરોના ટેસ્ટ કરાવ્યા હતો. તેનો રિપોર્ટ નેગેટિવ આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી અને આજે તેને કોર્ટમાં રજુ કરી તેનો એક દિવસનો રિમાન્ડ મેળવ્યો હતો. જયારે તેના ચાર સાગરીતોના પોલીસે કોરોના ટેસ્ટ કરાવ્યા હતા જેઓના રિપોર્ટ આવતીકાલે આવ્યા બાદ તેઓના પણ રિમાન્ડની તજવીજ હાથ ધરાશે.

ઝડપાઈ જવાની બીકે પાંચ બાઈક ત્યજી દીધી

ટોળકી છોટાઉદેપુર નજીક આવેલા મધ્યપ્રદેશના બોર્ડર પરથી દેશી-વિદેશી દારૂની ચોરીની બાઈક પર નંબરપ્લેટ બદલીને હેરફેર કરતા હતા. જાે દારૂની ખેંપ મારતી વખતે પોલીસ તેઓનો પીછો કરે તો તેઓ ઝડપાઈ જવાની બીકે બાઈકને મુદ્દામાલ સાથે રોડ પર ત્યજી દઈ ફરાર થતા હતા. આ રીતે તેઓએ ત્યજી દીધેલી ૫ બાઈક હજુ પણ પાનવડ અને કરાલી પોલીસના કબજામાં છે અને ટોળકી ઝડપાતા ત્યાંના દારૂબંધીના પણ ૭ ગુનાનો ભેદ ઉકેલાયો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution