દિલ્હી-

ભારતમાં આતંકવાદને ખાત્મા માટે પ્રતિબદ્ધ કેન્દ્ર સરકારે આજે(27 ઓક્ટોબર) યુપએપીએ અધિનિયમ 1967(2019માં સંશોધિત) હેઠળ વધુ 18 લોકોને આતંકવાદી ઘોષિત કર્યા છે. મંગળવારે નામોની ઘોષણા કરીને ગૃહ મંત્રાલયે જણાવ્યુ કે કેન્દ્ર સરકાર આતંકવાદ સામે પોતાની ઝીરો ટોલરન્સ નીતિ પર સંપૂર્ણપણે અડગ છે. ગૃહ મંત્રાલયે જણાવ્યુ કે રાષ્ટ્રીય સુરક્ષને મજબૂત કરવા અને આતંકવાદને સહન ન કરવાની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરીને સરકારે યુએપીએ અધિનિયમ 1969(2019માં સંશોધિત)ની જાેગવાઈઓ હેઠળ વધુ અઢાર વ્યક્તિને આતંકવાદી ઘોષિત કર્યા છે.

ગૃહ મંત્રાલય દ્વારા જારી આતંકવાદીઓની લિસ્ટમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી શામેલ છે. આમાં 26/11 મુંબઈ હુમલામાં આરોપી લશ્કરનો યૂસુફ મુજમ્મિલ, અબ્દુર રહેમાન મક્કી- લશ્કર ચીફ હાફિજ સઈદનો બનેવી, 1999માં કંધાર આઇસી-814 અપહરણકર્તા યૂસુફ અઝહર, બૉમ્બે બ્લાસ્ટનો માસ્ટર માઈન્ડ ટાઈગર મેમણ સહિત અંડર વર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહીમની નજીક ગણાતો છોટા શકીલનુ નામ પણ શામેલ છે.

તમને જણાવી દઈએ કે આતંકવાદની કમર તોડવા માટે ગૃહમંત્રી અમિત શાહે ગેરકાયદે ગતિવિધિ(રોકથામ) સંશોધન બિલ, 2019ને ગયા વર્ષે જુલાઈમાં લોકસભામાં રજૂ કર્યુ હતુ. આ બિલને 24 જુલાઈએ જ લોકસભામાંથી મંજૂરી મળી ગઈ હતી. તમને જણાવી દઈએ કે આ બિલ ગેરકાયદે ગતિવિધિ(રોકથામ) એક્ટ, 1967માં સુધારા બાદ પાસ થયુ હતુ. કેન્દ્રની મોદી સરકારે જૂના એક્ટમાં અમુક ફેરફાર કર્યા હતા જેથી આતંકી અને નક્સલવાદી ગતિવિધિઓ પર કાબુ અને ભારત વિરુદ્ધ થઈ રહેલી આતંકવાદી ગતિવિધિઓ સામે કડકાઈથી લડી શકાય.