વોર્ડ નંબર-૧૨માં સૌથી વધુ ૫૪ ઉમેદવારો જ્યારે સૌથી ઓછા ૨૨ ઉમેદવારો વોર્ડ નં.૧૦માં નોંધાયા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, એપ્રીલ 2026  |   સુરત   |   2376

આગામી તા.૨૬મી એપ્રિલના રોજ યોજાનારી સુરત મહાગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભરવાની અંતિમ મુદત ગતરોજ શનિવારે પૂર્ણ થઇ ગયા બાદ હરિફ ઉમેદવારોનું આંશિક ચિત્ર ઉપસ્થિત થયું છે. સુરત મહાનગરપાલિકાનાં તમામ ૩૦ વોર્ડમાંથી ઉમેદવારી કરનારાઓનાં ઉમેદવારીપત્રકો, દસ્તાવેજોની કામગીરી આટોપતા ચૂંટણી તંત્રવાહકોને મધરાતે ૩ વાગ્યા હતા. એ પછી ૩૦ વોર્ડની ૧૨૦ બેઠકો માટે કુલ કેટલા ઉમેદવારીપત્રો ભરાયા તેની વિગત નિશ્ચિત કરી શકાઇ હતી. ભાજપ અને કોંગ્રેસે તમામ ૧૨૦ બેઠકો ઉપર ઉમેદવારી કરી છે જ્યારે આમ આદમી પાર્ટીએ ૧૧૪ બેઠકો ઉપર પોતાના ઉમેદવારો ઉતાર્યા છે.

મળતી માહિતી મુજબ સુરત મહાનગરપાલિકાનાં ૩૦ વોર્ડની ૧૨૦ સીટો પર સૌથી વધુ ૫૪ ઉમેદવારીપત્રો વોર્ડ નં.૧૨ નાણાવટ, સૈયદપુરા, કુબેરનગર, મહિધરપુરા વિસ્તાર માટે ભરાયા છે. આટલી મોટી સંખ્યામાં ઉમેદવારીપત્રો ભરાતા ત્રણેય મુખ્ય રાજકીય પક્ષો ભાજપ, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીનાં નેતાઓ પણ વિચારવા માંડ્યા છે કે આ વોર્ડમાં અપક્ષ ઉમેદવારો રાજકીય ગણિત અને સમીકરણો બદલી જશે. અપક્ષો ૩૦૦થી ૫૦૦ મતો પણ ઉસેટી જાય તો મોટા રાજકીય પક્ષોનાં વિજય પરાજયમાં મોટો ફરક પડી શકે તેમ છે.

ગઇ ચૂંટણીમાં સૌથી વધુ ઉમેદવારો વોર્ડ નં. ૧૮ લિંબાયત-પરવટ-કુંભારીયા વિસ્તારમાં ભરાયા હતા. આ વખતે આ વોર્ડમાં સેકન્ડ હાઇએસ્ટ ૫૨ ઉમેદવારોએ મેદાને જંગમાં ઝુકાવ્યું છે.

એવી જ રીતે સૌથી ઓછા ૨૨ ઉમેદવારીપત્રો વોર્ડ નં.૧૦ અડાજણ-પાલ-ઇચ્છાપોરમાંથી ભરાયા છે. આ વિસ્તાર રેસિડેન્શિયલ ઝોન છે અને અહીં સુરત મહાનગરપાલિકાની છેલ્લી ૬ ચૂંટણીથી તમામ બેઠકો પર ભાજપનાં ઉમેદવારો જ વિજયી થઇ રહ્યા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution