જુનાગઢ, ગુજરાતમાં દીપડાની સંખ્યામાં વધારો થતા માનવ પર હુમલાની ઘટનામાં પણ વધારો થયો છે. ચાર દિવસ પહેલા પરિક્રમા દરમિયાન દીપડાએ એક તરુણીને ફાડી ખાધા બાદ હવે બે વર્ષના બાળક પર હુમલાની ઘટના બની છે. જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં રહેતા પરિવારનું બે વર્ષનું બાળક ફળિયામાં રમી રહ્યું હતું ત્યારે ત્રાટકેલો દીપડો બાળકનું માથું પકડી ભાગવા લાગ્યો હતો. આ જ સમયે બાળકના માતાપિતાની નજર પડતા તેઓએ દીપડા સામે બાથ ભીડી હતી અને બાળકને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો જેમાં માતાપિતાને સફળતા મળી હતી. જાે કે, દીપડાની ચુંગાલમાંથી બાળકને છોડાવતી સમયે બાળકના માથાના તમામ વાળ ચામડી સાથે નીકળી જતા બાળકને ગંભીરી ઈજા પહોંચી હતી. હાલ તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. જૂનાગઢના દોલતપરા વિસ્તારના કિરીટનગરમાં રહેતા સીડા પરિવારનો બે વર્ષીય બાળક ગઈકાલે સાંજે ઘરના ફળિયામાં રમી રહ્યો હતો. ત્યારે જ જંગલ વિસ્તારમાંથી ધસી આવેલા દીપડાએ બાળકનું માથું પકડી દીવાલ પર ચઢી ગયો હતો.આ જ સમયે બાળકના માતાપિતાની નજર પડતા જ દીપડા સામે બાથ ભીડી હતી અને બાળકને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. માતાપિતાએ દીપડાનો સામનો કરતા દીપડો બાળકને મૂકીને નાસી છૂટ્યો હતો. જાે કે, બાળકના માથાના તમામ વાળ ચામડી સાથે નીકળી જતા બાળકને ગંભીર ઈજા પહોંચી હતી. જેને પ્રાથમિક સારવાર જૂનાગઢ અને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. રહેણાંક વિસ્તાર સુધી દીપડો ઘૂસી આવીને હુમલો કરતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે. વનવિભાગની ટીમે પાંજરુ ગોઠવી ફરી હટાવી લીધું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જંગલ વિસ્તાર નજીક હોવાના કારણે અવારનવાર દીપડો આ વિસ્તારમાં ચડી આવતો હોવાનું અને પશુઓનો શિકાર કરતો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.