મુંબઇ-

મહારાષ્ટ્ર વિધાનસભાના વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, એન્ટિલિયા કેસમાં અને મનસુખ હિરેન મૃત્યુ કેસમાં ધરપકડ કરાયેલા નિલંબિત સહાયક પોલીસ નિરીક્ષક સચિન વાઝે નો પત્ર ગંભીર છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા આ પત્ર ની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. ફડણવીસે ગુરુવારે પત્રકારોને જણાવ્યું હતું કે, સચિન વાઝે લોકઅપ માંથી જે પત્ર લખ્યો છે તે ખૂબ ગંભીર છે. આ પત્રથી પોલીસની સાથે સરકારની પણ છબી દૂષિત થઈ રહી છે, તેથી સીબીઆઈને આ પત્રની સઘન તપાસ સામાન્ય લોકોની સામે કરવી જરૂરી છે.

મહારાષ્ટ્રમાં ઝડપથી વિકસી રહેલા કોરોના ચેપના કેસો અંગે પૂર્વ મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું કે, રાજ્યમાં રેમડેસિવર ઇંજેક્શનની માંગ વધી છે અને તેનું બ્લેક માર્કેટિંગ પણ વધ્યું છે. રાજ્ય સરકારે આ ઈંજેક્શન માટે કેન્દ્ર સરકાર સાથે વાત કરી અન્ય રાજ્યોમાંથી આ ઈન્જેક્શનની સપ્લાય કરવાની વ્યવસ્થા કરવી જોઈએ. તેમજ રાજ્ય સરકારે તાત્કાલિક આ ઈન્જેક્શનનું બ્લેક માર્કેટિંગ બંધ કરવું જોઈએ. વિપક્ષી નેતા ફડણવીસે કહ્યું કે, કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રને અન્ય રાજ્યોની તુલનામાં મહત્તમ કોરોના વાયરસ વેક્સીન પૂરી પાડી છે, તેથી રાજ્ય સરકારે કોરોના વેક્સીન પર રાજકારણ ન કરવું જોઈએ.