વડોદરા, તા.૨૩

છેક ૨૦૧૪થી તળિયાથી નળિયા સુધી દેશની સિકલ બદલી નાખવાની સૂચિત યોજનાના ભાગરૂપે મોદી સરકાર દ્વારા દિલ્હી ખાતે ભારતના નવા પાર્લામેન્ટ હાઉસ એવા ‘સેન્ટ્રલ વિસ્ટા’ની ભવ્ય અને ખર્ચાળ યોજનાનું કામ પૂરજાેશમાં ચાલુ છે. ત્યારે એ વિશાળ ઈમારતને મોંઘાદાટ ચિત્રો, આકર્ષક શિલ્પો સહિતના સમગ્ર સુશોભન-સજાવટની ગૌરવપ્રદ કામગીરી વડોદરાની વિશ્વિવિખ્યાત ફાઈન આર્ટસ ફેકલ્ટીને ફાળવવામાં આવી હોવાના બિનસત્તાવાર પ્રાથમિક અહેવાલો સાંપડયા છે. આધારભૂત સાધનોના જણાવ્યા અનુસાર વારંવાર વિવાદને કારણે ખરડાયેલી મનાતી મ.સ. યુનિ.ની ફાઈન આર્ટસ ફેકલ્ટી જ હવે વડોદરાને વૈશ્વિક દરજ્જાનું ગૌરવ અપાવે એવા સંજાેગો સર્જાયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વાભાવિક રીતે જ ફાઈન આર્ટસ ફેકલ્ટીના કલા-દરજ્જાથી સંપૂર્ણપણે જ્ઞાત છે તથા ‘સેન્ટ્રલ વિસ્ટા’ના મુખ્ય આર્કિટેક્ટ સાબરમતી રિવર ફ્રન્ટના ગુજરાતી આર્કિટેક્ટ વિમલ પટેલ જ છે. આ સંજાેગોમાં વિશ્વના સર્વશ્રેષ્ઠ બની રહેલા ‘સેન્ટ્રલ વિસ્ટા’માં ગુજરાતના આર્કિટેક્ટ અને હવે ગુજરાતની યુનિ.ની એક ફેકલ્ટી ફાઈન આર્ટસનું આ યોજના સાથેનું જાેડાણ સ્વાભાવિક રીતે જ ચમત્કાર સર્જશે એમ મનાય છે.

આધારભૂત સાધનોના જણાવ્યા અનુસાર ‘સેન્ટ્રલ વિસ્ટા’ની આંતરિક સજાવટની યોજના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની ઓફિસના સંબંધિત અધિકારીઓએ યુનિ. અને ફાઈન આર્ટસ ફેકલ્ટીના સત્તાધીશો સાથે આ અંગે રૂબરૂ બેઠક યોજી ચર્ચા પણ કરી લીધી છે.

તાજેતરના વિવાદ વખતે ફેકલ્ટી સત્તાધીશ આ યોજનાની બેઠક અંગે દિલ્હીમાં હતા!

તાજેતરમાં હિન્દુ દેવી-દેવતાઓના ક્ષોભજનક ચિત્રો દોરવા અંગે ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં વિવાદ થયો ત્યારે ફેકલ્ટીના એક જવાબદાર પ્રાધ્યાપકે આ ઘટના વખતે તેઓ દિલ્હી હોવાનું જણાવ્યું હતું. વાસ્તવમાં તેમની આ દિલ્હી મુલાકાત પીએમઓમાં આ યોજના માટેની જ હોવાનું આધારભૂત સાધનોએ જણાવ્યું હતું.

પીએમઓના સીધા આદેશથી ફાઈન આર્ટસ ફેકલ્ટીનો વિવાદ તત્કાળ દાબી દેવાયો!

‘સેન્ટ્રલ વિસ્ટા’ના ગૌરવ અપાવે એવા ‘એસાઈન્મેન્ટ’ને કારણે ફેકલ્ટીના વિવાદ પર તત્કાળ પૂર્ણવિરામ મુકવાના આદેશ સ્વયં પીએમઓથી આવ્યા હોવાનું અને તેથી જ એ વિવાદ પર તમામ સ્તરેથી તત્કાળ પડદો પાડી દેવાયો હોવાનું આધારભૂત સાધનોએ જણાવ્યું છે.