મુંબઇ- 

પાકિસ્તાનની ખૈબર-પખ્તુનખ્વાની પ્રાંતીય સરકારે ઐતિહાસિક ઇમારતોના જતનને ધ્યાનમાં રાખીને બોલિવૂડના જાણીતા અભિનેતાઓ રાજ કપૂર અને દિલીપકુમારના પૂર્વજોના મકાનો ખરીદવાનો નિર્ણય લીધો છે. બંને કલાકારોનાં મકાનો જર્જરીત હાલતમાં છે. ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતના પુરાતત્ત્વીય વિભાગે રાષ્ટ્રીય ધરોહર તરીકે જાહેર કરાયેલી આ બંને ઇમારતો ખરીદવા માટે પૂરતા નાણાં પૂરા પાડવાનો નિર્ણય કર્યો છે. 

આ બંને ઇમારતો રાજ કપૂરનું ઘર કપૂર હવેલી અને દિલીપકુમારનું ઘર પેશાવર શહેરમાં સ્થિત છે. પુરાતત્ત્વ વિભાગના વડા ડો.અબ્દુસ સમાદ ખાને કહ્યું કે બંને ઐતિહાસિક ઇમારતોની કિંમત નક્કી કરવા માટે પેશાવરના ડેપ્યુટી કમિશનરને સત્તાવાર પત્ર મોકલવામાં આવ્યો છે.જે ભાગલા પહેલા ભારતીય સિનેમાના બે મહાન કલાકારો બાળપણમાં અહીં જન્મેલા અને ઉછર્યા હતા.

રાજ કપૂરનાં પૂર્વજોનું ઘર કપૂર હવેલી તરીકે ઓળખાય છે. આ હવેલી કિસ્સા ખાન્ની બજારમાં આવેલી છે. તેને રાજ કપૂરના દાદા દિવાન બશેશ્વનાથ કપૂરે 1918 અને 1922 ની વચ્ચે બનાવી હતી. રાજ કપૂર અને તેના કાકા ત્રિલોકનો જન્મ આ ઘરમાં થયો હતો. અભિનેતા દિલીપ કુમારનું 100 વર્ષ જૂનું પૂર્વજોનું ઘર પણ આ ક્ષેત્રમાં છે. આ મકાન જર્જરિત હાલતમાં છે અને વર્ષ 2014 માં નવાઝ શરીફ સરકારે તેને રાષ્ટ્રીય વારસો જાહેર કર્યો હતો. 

ખાને કહ્યું કે આ બંને ઐતિહાસિક ઇમારતોના માલિકોએ કમર્શિયલ પ્લાઝા બનાવવા માટે અનેક વાર તેને તોડવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ આવા તમામ પ્રયાસો બંધ કરી દેવામાં આવ્યા છે કારણ કે પુરાતત્ત્વ વિભાગ તેમનું ઐતિહાસિક મહત્વ હોવાને કારણે તેમને સાચવવા માગતા હતા. જો કે કપૂર હવેલીના માલિક અલી કાદરે કહ્યું હતું કે તે બિલ્ડિંગને તોડવા માંગતા નથી.

અલીએ દાવો કર્યો હતો કે આ ઐતિહાસિક ઇમારતની સુરક્ષા અને જાળવણી માટે તેણે પુરાતત્ત્વ વિભાગના અધિકારીઓ પાસે ઘણી વાર સંપર્ક કર્યો હતો. મકાનના માલિકે તેને સરકારને વેચવા માટે 200 કરોડની માંગ કરી છે. 2018 માં, પાકિસ્તાન સરકારે ઋષિ કપૂરની વિનંતી પર કપૂર હવેલીને સંગ્રહાલયમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય લીધો હતો, જે થઈ શક્યો નહીં. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનના પેશાવરમાં લગભગ 1800 ઔતિહાસિક ઇમારતો છે, જે લગભગ 300 વર્ષ જુની છે.