લંડન-

ભારતીયો હંમેશાં વિદેશોમાં પોતાની માતૃભૂમિની છાપ છોડવામાં હંમેશાં અવ્વલ જ રહે છે. થોડા સમય પહેલા અમેરિકામાં ચૂંટણી થઈ હતી. જેમાં ડેમોક્રેટિક પાર્ટીની જીત બાદ જાે બાઈડન અમેરિકાના રાષ્ટ્રપતિ અને ભારતીય મૂળના કમલા હેરિસ ઉપ રાષ્ટ્રપતિ બન્યાં હતા. આ સિલસિલો યથાવત રહ્યો છે. ફરી એકવાર ઇંગ્લેન્ડની ચૂંટણીમાં ગુજરાતીઓએ ડંકો વગાડીને ગુજરાત સહિત ભારતને ગૌરવ અપાવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે ઈંગ્લેન્ડની ચૂંટણીમાં ભરૂચના અરગામા ગામનાં વતની માતા, પુત્રી અને પુત્ર વિજેતા બન્યાં છે અને માતા પાંચમી વખત મેયર તરીકે ચૂંટાઈ આવ્યા છે.

આ વિશે જાણવા મળી રહ્યું છે કે, હાલ ઈંગ્લેન્ડમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભરૂચના વાગરા તાલુકાના અરગામા ગામના વતની માતા, પુત્રી અને પુત્ર ચૂંટણીમાં ઉમેદવાર તરીકે હતા. વિદેશના રાજકારણમાં જાણીતું સ્થાન મેળવનાર સ્વ. અહમદ ખાનની અને અરગામા ગામના માજી સરપંચ ઈબ્રાહિમ ખાનની પ્રપૌત્રી હસીના ખાન પણ ઈંગ્લેડમાં લેબર પાર્ટીમાં પાયાની કાર્યકર તરીકે જાેડાઈ હતી.

હસીના ખાને ઈંગ્લેન્ડના ચોર્લી નોર્થના કાઉન્સિલર તરીકે રાજકીય કરિયર શરૂ કર્યું હતું. જેમાં તેમણે વર્ષ ૨૦૦૬માં લેન્કેશાયરમાં પ્રથમ મુસ્લિમ મહિલા કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા અને ૨૦૧૯માં મેયર તરીકે પણ સેવા આપી હતી. માતાના રાજકીય કરિયરમાંથી પ્રેરણા લઈને હાલમાં ઈંગ્લેન્ડમાં યોજાયેલી સ્થાનિક ચૂંટણીમાં બન્ને બાળકોએ ઝંપલાવ્યું હતું. જેમાં હસીના ખાનની પુત્રી ઝારા ચોર્લી કાઉન્સિલ પર બીજી વખત ચૂંટાઈ આવ્યા છે, જ્યારે હસીના ખાન પાંચમી ટર્મ માટે ફરીથી ચૂંટાઈ આવ્યા હતા, જયારે તેમનો પુત્ર સમીર ખાન પણ યોજાયેલી ચૂંટણીમાં વિજેતા થયો હતો, જેથી એક જ પરિવારમાંથી માતા, પુત્ર અને પુત્રી વિજેતા થતાં ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.