પાલિકાએ માર્ગોનું રિકાર્પેટિંગનું કામ હાથ ધર્યું

વડોદરા

વડોદરા મહાનગરપાલિકાના શાસકો-ઇજારદારો અને અધિકારીઓની મિલીભગતને લઈને શહેરમાં ઉનાળાના દિવસો દરમિયાન અને ચોમાસા પહેલાં પોલિશ કરેલા માર્ગો બનાવવામાં આવ્યા હતા. ઉપરથી સુંદર દેખાતા માર્ગો પ્રથમ સામાન્ય વરસાદમાં જ ખખડધજ અને બિસ્માર બની ગયા હતા.

ગત વર્ષની માફક આ વર્ષે શહેરમાં ન તો પૂરની પરિસ્થિતિ હતી ન તો એવો વરસાદ પડ્યો હતો જેને લઈને આ માર્ગોનું ધોવાણ થઇ જાય કે બિસમાર બની જાય. પરંતુ ઇજારદારોની નબળી કામગીરી અને શાસકોની મિલીભગતને લઈને આવી કામગીરી કરનાર ઇજારદાર સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી શાસકોના અંગત હોવાને લઈને કરવામાં આવી નથી. આ બાબતે ભારે ઊહાપોહ સર્જાતાં ચોમાસાના વરસાદને લીધે માર્ગો ધોવાયાનું પરંપરાગત બહાનું આગળ ધરી દઈને ઇજારદારને બચાવી લેવામાં આવ્યો હતો, એની સાથોસાથ રોડના કામમાં થયેલા વ્યાપક ભ્રષ્ટાચારને પણ ઢાંકી દેવામાં આવ્યો હતો. આખરે રાજ્ય સરકાર દ્વારા ચોમાસા દરમિયાન સમગ્ર રાજ્યના માર્ગો ખખડધજ અને બિસમાર બનવા સામે પ્રજામાં વ્યાપક આક્રોશ જાેવાતાં અને ઊહાપોહ મચતાં આખરે માર્ગોના નવિનીકરણ અને રિકાર્પેટિંગ માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી, તેની સાથોસાથ દિવાળી પહેલાં રાજ્યના તમામ બિસમાર માર્ગોને વ્યવસ્થિત બનાવી દેવામાં આવશે એવી વાત કરીને પ્રજાનો ગુસ્સો ખાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના આ આદેશ અનુસાર આખરે સહાય મળતાં પાલિકા દ્વારા માર્ગોના નવિનીકરણ અને રિકાર્પેટિંગની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.

જેના પ્રથમ તબક્કામાં શહેરના મુખ્ય માર્ગોના કાર્પેટિંગની કામગીરી હાથ પર લેવામાં આવી છે, જે પૂર્ણ થયા બાદ આંતરિક માર્ગોના પેચવર્ક અને અન્ય કામગીરી હાથ ધરાશે. જ્યાં સુધી શહેરના મુખ્ય માર્ગોનો પ્રશ્ન છે ત્યાં સુધી આ કામગીરી રાતના સમયે હાથ ધરવામાં આવે છે. જેથી ટ્રાફિકની કોઈ સમસ્યા સર્જાય નહિ.

આ ઉપરાંત રાત્રી દરમિયાન કામગીરતી કરતી વખતે અન્ય માર્ગોનું ડાયવર્ઝન આપવાની બાબતનું પણ ખાસ ધ્યાન અધિકારીઓ દ્વારા રાખવામાં આવે છે. જેને લઈને ભારે ઊહાપોહ મચે નહિ. જો કે આ માર્ગોની કામગીરીમાં ભારે વિલંબ થયાની ફરિયાદો નાગરિકો દ્વારા કરવામાં આવી છે, જેને લઈને તંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત થયા પછીથી તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution