રાજપીપળા : નર્મદા બંધના ઉપરવાસ માંથી છોડવામાં આવતું પાણી બંધ કરી દેતા નર્મદા ડેમમાં હાલ પાણીની આવક માત્ર ૨૫,૧૩૯ ક્યુસેક થઈ રહી છે. અગાઉ જે ૨૩ ગેટ ખોલવામાં આવ્યા હતા એ તમામ ગેટ હાલ બંધ કરી દેવામાં આવ્યા છે.નર્મદા બંધની જળ સપાટી હાલમાં ૧૩૭.૫૦ મીટર પર પહોંચી છે. ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે જે હવે ૧.૧૮ મીટર દૂર છે. તંત્ર દ્વારા ઉપરવાસ માંથી આવતા પાણી પર નજર રખાઈ રહી છે, ધીર ધીરે ડેમની સપાટી વધી રહી છે.ત્યારે હાલ નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા ડેમને ૧૩૮ મીટર સુધી ભરવાની પરમિશન આપતા નિગમ દ્વારા તબક્કા વાર પાણીનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે.જેનો સીધો ફાયદો ગુજરાતને થવાનો છે.આ સાથે એક સપ્તાહમાં ડેમ ૧૩૮.૬૮ મીટરની મહત્તમ સપાટી પર પહોંચશે એવા એંધાણ વર્તાઈ રહ્યા છે.હાલ નર્મદા ડેમમાં ૫૫૦૦ એમસીએમ(મ્યુલીયન ક્યુબિક મીટર ) લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે.