અમદાવાદ-

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નેતૃત્વ પરિવર્તનની ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે. રાજયમાં એક તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સરકારની પાંચ વર્ષના શાસનની ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે બીજી તરફ નેતૃત્વ પરિવર્તનની ચર્ચાઓએ વેગ પકડ્યું હતું. જો કે, નેતૃત્વ પરિવર્તનની સાથોસાથ રાજ્યમાં વહેલી ચૂંટણીઓ યોજાશે તેવી અટકળો પણ થવા લાગી હતી. આ દરમિયાનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નર્મદાના એક કાર્યક્રમમાં રાજયમાં વહેલી ચૂંટણીઓ યોજાવાની તમામ અટકળો પર પૂર્ણ વિરામ મૂકી દીધું હતો. આ સંજોગોમાં 15મી ઑગસ્ટના દિવસે રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન થશે, એવી ચાલી રહેલી અટકળો ઉપર પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટિલે પણ નિવેદન આપીને વિરામ મૂકી દીધું હતું દીધો છે.

સ્વાતંત્ર દિનના અવસરે પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટિલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની કોઈ જ વાત નથી. આગામી વિધાનસભાની ચૂંટણીઓ વર્ષ 2022માં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વમાં જ લડાશે. પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટિલે આ અગાઉ રાજકોટ પ્રવાસ દરમિયાન પણ આ અંગે નિવેદન આપ્યું હતું કે, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બંનેની જોડી સારું કામ કરી રહી છે. આગામી વર્ષોમાં પણ નેતૃત્વ પરિવર્તનની કોઈ જ શક્યતા નથી.અત્રે નોંધનીય છે કે, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સરકાર રાજ્યમાં પાંચ વર્ષના શાસનની ઉજવણી કરી રહી હતી. તે સમયે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ એવું વિવાદિત નિવેદન આપ્યું હતું કે, રાજ્ય સરકારની ઉજવણી એ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો વિદાય સમારંભ છે. તેઓ આ છેલ્લી ઉજવણી કરી રહ્યા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના આ વિવાદિત નિવેદનના પ્રત્યુત્તરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, તેમની વિદાય થવાની છે એટલે આવા નિમ્ન કક્ષાના નિવેદનો આપી રહ્યા છે.