28, ઓક્ટોબર 2024
2574 |
અમદાવાદ, અમદાવાદમાં ગેરકાયદેસર દબાણો અને બાંધકામો દૂર કરવા જાય તે પહેલા જ તેના માલિકોને જાણ થઈ જતી હોવા અંગેની ફરિયાદ થઈ હતી. એસ્ટેટ વિભાગમાં દબાણની ગાડીમાં ફરજ બજાવતા મજૂરો દ્વારા જાણ કરવામાં આવતી હોવાની વાત સામે આવી હતી પરંતુ, હવે તો એસ્ટેટ વિભાગમાં ફરજ બજાવતા વોર્ડ ઇન્સ્પેક્ટરથી લઈને અન્ય અધિકારીઓ પણ ગેરકાયદેસર બાંધકામના માલિકોને આગોતરી જાણ કરી દેતા હોવા અંગેની ફરિયાદ મળેલી ટાઉન પ્લાનિંગ કમિટીમાં કરવામાં આવી હતી. ભાજપના કોર્પોરેટરો એ ફરિયાદ કરી હતી કે, જે ગેરકાયદેસર બાંધકામ તોડવાનું હોય છે તે બાંધકામના મૂળ માલિકને પહેલેથી જાણ કરી દેવામાં આવે છે. જે ખૂબ ગંભીર બાબત છે. કોર્પોરેટરોના નામે પણ કેટલાક બાંધકામો તૂટતા હોતા નથી એવી ફરિયાદો પણ કરવામાં આવે છે. ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન પ્રીતિશ મહેતાએ જણાવ્યું હતું કે, કમિટીમાં સભ્યોએ રજૂઆત કરી હતી કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એસ્ટેટ વિભાગના અધિકારીઓ ગેરકાયદેસર બાંધકામના માલિક અથવા અસરગ્રસ્ત હોય તેઓને પહેલેથી જાણ કરી દેતા હોય છે. પહેલાથી જ બાંધકામની જાણ કરી દેવાના કારણે અનેક બાંધકામો રોકાઈ પણ જતા હોય છે. આ ખૂબ ગંભીર બાબત ધ્યાને આવી છે, જેથી જે પણ આવા અધિકારી હોય તે અધિકારીની સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.શહેરના પશ્ચિમ વિસ્તારમાં પરજ બજાવતા બેથી ત્રણ અધિકારીઓ અને પૂર્વ વિસ્તારના એક અધિકારી પહેલાથી જ ગેરકાયદેસર બાંધકામ અને દબાણોમાં જાણ કરી દેતા હોવાનું ભાજપના કોર્પોરેટરોના ધ્યાને આવ્યું હતું અને આ બાબતે અગાઉ પણ ફરિયાદ કરવામાં આવી હતી. થોડા મહિના પહેલા જ ટાઉન પ્લાનિંગ કમિટીમાં રજૂઆત થઈ હતી કે, દબાણો દૂર કરવા જઈએ છીએ ત્યારે પહેલાથી વેપારીઓને જાણ થઈ જાય છે, જેથી તેઓ ત્યાંથી હટી જાય છે અને દબાણો જાેવા મળતા નથી.