વડોદરા,તા.૧૩

અમેરિકન સ્કૂલ ઓફ બરોડા દ્વારા ગઈકાલે વાલીની માંગણી ન હોવા છતાં કુરિયર દ્વારા બે બાળકોને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર મોકલી આપતા વિવાદ સર્જાયો હતો.

આ અંગે વાલીએ વડોદરા વાલી મંડળને ફરીયાદ કરી હતી. વડોદરા વાલી મંડળના આગેવાનો સ્થળ ઉપર પહોંચી આ મામલે શાળા સંચાલકો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે શાળા બહાર ધરણા પર બેસી ગયા હતા.શાળા સંચાલકો સાથે વાતચીત કરવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ શાળા દ્વારા વડોદરા વાલી મંડળના આગેવાનોને શાળા સંચાલકો સાથે વાતચીત કરતા અટકાવ્યા હતા. ત્યારબાદ વડોદરા પેરન્ટ્‌સ એસો.દ્વારા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ ૨૦૧૫ની કલમ ૭૫ મુજબ શાળા વિરુદ્ધ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી અને ડી ઈ ઓ કચેરીએ પણ આ બાબતની ગંભીર રજૂઆત કરતા, પોલીસ અને ડીઈઓ કચેરીનું દબાણ વધતાં શાળા સંચાલકોએ આ બાળકોનાં શાળા છોડ્યાનું પ્રમાણપત્ર પરત ખેંચી લઈ આવતીકાલથી આ બાળકો શાળામાં અભ્યાસ માટે પ્રવેશી શકશે તેવી બાયધરી આપી છે.

જે વડોદરા પેરેન્ટસ એસો.ની વાલીને ન્યાય અપાવવાની સૈદ્ધાંતિક જીત છે.અમેરિકન સ્કુલ ઓફ બરોડા માં નર્સરી અને સાતમા ઘોરણમાં અભ્યાસ કરતા બાળકો ને શાળા સંચાલકોએ કુરિયરથી કોઇપણ કારણ આપ્યા વિના લીવિંગ સર્ટીફિકેટ મોકલી આપતા વાલી ચોંકી ગયા હતા. તેમણે આ અંગે વડોદરા પેરેન્ટસ એસોશીએશનને ફરીયાદ કરી હતી. વાલીના મતે તેમણે શાળા અંગે અભ્યાસની ગુણવત્તા સામે પ્રશ્નાર્થ ઉઠાવ્યા હતા. આ અંગેની એક પોસ્ટ સોસિયલ મિડિયા પર પોસ્ટ કરી હતી. તેને લઇને શાળા સંચાલકોએ નારાજ થઇ સંબધિત વાલીનાં બે બાળકોને શાળામાંથી કાઢી મુકી એલસી કુરીયરમા મોકલી આપ્યા હતા. વડોદરા પરેન્ટસ એસો. શાળા સામે આ કાર્યવાહીનો વિરોધ કરી મોરચા ખોલતા મામલો થાળે પડયો હતો.