વડોદરા : વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાના નામે કરાયેલ બ્યુટીફિકેશનનો અસલી ચહેરો ધીમે ધીમે તબક્કાવાર બેનકાબ થઇ રહ્યો છે.જેમાં શહેરના માર્ગો પરના ભુવા પછીથી હવે બ્યુટીફીકેશન કરાયેલ તળાવોમાં ભુવા પડવા લાગ્યા છે. છાણી તળાવમાં બ્યુટીફીકેશન કરાયા પછીથી એનું ઉદ્ધઘાટન કરવામાં આવે એ પહેલાજ અનેક જગ્યાઓ પર મસમોટા ગાબડાં પડ્યા હતા.ત્યારબાદ હવે ખોડિયારનગર તળાવમાં પણ ગાબડા પાડવા લાગ્યા છે.જેને લઈને શહેરના તળાવોના બ્યુટીફીકેશન પાછળ કરાયેલ કરોડોનો ખર્ચો પાણીમાં વહી ગયાની લાગણી અનુભવાઈ રહી છે. આ અંગે સામાજીક કાર્યકર કમલેશ પરમારે જણાવ્યું હતું કે,વડોદરા શહેરમાં રોડ રસ્તા પર ભુવા જોવા મળે છે પરંતુ વડોદરા શહેરમાં હાલ તલાવોના બ્યુટીફિકેશન માટે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા પછી પણ હાલ ખોડિયાર નગર તળાવમાં ભુવા જોવા મળ્યો છે. વડોદરા શહેરમાં સ્માર્ટ સિટી બનાવવા માટે તમામ તળાવ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે સ્વરછતાના નામે લાખ્ખો કરોડો રૂપિયા વાપરવામાં આવે છે સિકયુરિટી શોભાના મુકવામાં આવ્યા છે? હાલ શહેરના તમામ તળાવની હાલત ગંદકીથી ખધબધી રહ્યું છે સાથે સાથે તળાવની બાજુમાં આંગણવાડી આવેલી છે તમામ વીજ વાયર ખુલ્લી હાલતમાં જોવા મળે છે જો કોઈપણ જાનહાનિ થશે તો જવાબદાર કોણ??જે તે સમયે તળાવની આજુબાજુના દબાણો તોડવા માટે કોર્પોરેશન દ્વારા તાત્કાલિક કામગીરી કરવામાં આવી હતી.પરંતુ હાલ સ્માર્ટ સિટીમાં તમામ તળાવની જાળવણી થતી નથી? આ સ્થળની તપાસ કરતા જોવા મળ્યું હતું કે ખોડિયારનગર તળાવમાં ગટરના મળમૂત્રવાળા પાણી છોડવામાં આવી રહ્યા છે. ત્યારે પ્રશ્ન એવો ઉપસ્થિત થાય છે કે આ બધું જોવાને માટે સ્થાનિક કોર્પોરેટરો,ધારાસભ્યો તેમજ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ. સુપરવાઇઝરો ક્યાં છે? વડોદરાના કમિશનર, મેયર, સ્થાયીના અધ્યક્ષ સહિતનાને સામાજિક કાર્યકરે એસી વાળી ઓફીસ,અને એસી વાળી ગાડીઓ છોડી વડોદરા શહેરના તમામ તળાવોને નવીન બ્યુટીફિકેશન કરવામાં આવ્યા તેવા તમામ તળાવની મુલાકાત લેવામાં આવે તેવી વિનંતી કરી છે.તેમજ આ તળાવોની નબળી કામગીરી કરનાર સામે પગલાં લેવાની પણ  માગ કરી છે. 

શહેરીજનોને સુવિધા અને ભ્રષ્ટાચારીઓને સજા આપવા ‘જનતા મેમો’ આપતું કોંગ્રેસ

કોરોના મહામારી સામે લડી રહેલ વડોદરાવાસીઓ પાલિકાના ભ્રષ્ટાચાર સામે પણ લડી રહ્યા છે. આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું છે કે સંસ્કારી અને સ્વરૂપવાન નગરી તરીકે ઓળખાતી વડોદરા નગરીને ભ્રષ્ટાચારીઓનું ગ્રહણ લાગી ગયું છે. જેથી શહેરની પ્રજાને પીવાનું શુધ્ધ પાણી ના મળે, ડ્રેનેજ ઉભરાવાથી રોગચાળાનો ભોગ બને અને તમામ માર્ગોમાં ખાડા અને ભુવા પડવાથી વાહનમાં નુકસાન અને પોતાની કમર તોડીને દર્દ વેઠવું પડે આવી પરીસ્થિતિ છે. ત્યારે પાલિકાના નવનિયુક્ત કમિશ્નર પી.સ્વરૂપ ભ્રષ્ટાચારી કોન્ટ્રાકટરોને સજા કરી કોન્ટ્રાક્ટ રદ કરે અને વડોદરાને સ્વરૂપવાન બનાવે એવી રજૂઆત સાથે “જનતા મેમો” ના માધ્યમથી આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. પાલિકાના વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે વડોદરામાં રોડ રસ્તા, શુધ્ધ પાણી, ડ્રેનેજ ની સુવિધા માટે કરોડો રૂપિયા પાણીની માફક વપરાયા તેમ છતાં પ્રજાને કોઈ સુવિધા મળતી નથી.વડોદરામાં અન્ય શહેરો કરતા ત્રણ ઘણો વધુ વેરો પાલિકા દ્વારા વસૂલાય છે. તેમ છતાં પાલિકા પ્રજાને મૂળભૂત સુવિધાઓ આપવામાં નિષ્ફળ ગઈ છે.શહેરના અનેક વિસ્તારોમાં ઠેર ઠેર રસ્તા તૂટી ગયા છે, ખાડા અને ભુવાથી આખું શહેર ચિત્કારી રહ્યું છે, અનેક નિર્દોષો અકસ્માતને ભેટે છે અને અનેક નિર્દોષો અકાળે મોતને ભેટે છે. દર વર્ષે સહેજ પણ વરસાદ પડે કે તરત જ રસ્તાઓનું ધોવાણ થઈ જાય છે.