વડોદરા, તા.૭

કોરોનાની મહામારીના પગલે સરકારની સૂચના મુજબ શહેર પોલીસ કમિશનરે જુદા જુદા બે જાહેરનામા પ્રસિદ્ધ કરી પ્રતિબંધો અને રાત્રિ કરફયૂના અમલના સમય નક્કી કર્યાં છે, એનો ભંગ કરનારા સામે કડક પગલાં લેવાશે એવી પણ જાહેરાત કરવામાં આવી છે.

ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ની કલમ ૧૪૪ તથા જીપી એક્ટ ૧૯૫૧ની કલમ ૩૭(૪) અન્વયે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં ૧૦મી એપ્રિલથી લગ્ન-સત્કાર સમારંભ બંધ કે ખૂલ્લી જગ્યામાં ૧૦૦થી વધુ વ્યક્તિઓ એકઠા થઈ શકશે નહીં. કરફયૂના સમય દરમિયાન કોઈ લગ્ન-સત્કાર સમારંભ કે અન્ય કાર્યક્રમો યોજી શકાશે નહીં. તા.૭ એપ્રિલથી ૧૦ એપ્રિલ સુધી રાજકીય, સામાજિક અને અન્ય મેળાવડાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. કોઈપણ ગેધરિંગમાં પ૦થી વધુ વ્યક્તિઓ એકત્ર થઈ શકશે નહીં અને એ દરમિયાન કોવિડ સંબંધિત માર્ગદર્શક સૂચનાઓ યથાવત્‌ રહેશે. એપીએમસીમાં કોવિડ અંગેની માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું, સરકારી કચેરીઓમાં શનિવાર-રવિવાર રજા અને તા.૩૦ એપ્રિલ સુધી ખૂબ જ અગત્યની કામગીરી હોય એને જ પ્રવેશ આપી શકાશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર સામે ફોજદારી અધિનિયમ ૧૮૬૦ની કલમ ૧૮૮ અન્ય કાનૂની જાેગવાઈ ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ કલમ ૫૧થી ૬૦ તથા જીપી એક્ટ મુજબ કાર્યવાહી થશે એમ પોલીસ કમિશનરે જણાવ્યું છે. રાત્રિ કરફયૂ અંગેના સમય અંગેના જાહેરનામામાં રાત્રિના ૮ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન શહેરના રહેવાસીઓએ રહેણાંક મકાનની બહાર નીકળવું નહીં તેમજ કોઈપણ માર્ગ જાહેર રાહદારી રસ્તાઓ, રાજમાર્ગો, શેરીઓ, ગલીઓ, નાકાઓ, પેટા ગલીઓ અને જાહેર જગ્યા ઉપર ઊભા રહેવું નહીં, પગપાળા કે વાહનો મારફતે હરવું-ફરવું નહીં એમ

જણાવ્યું છે.

જાહેરનામા કરફયૂ ભંગ હેઠળ ૬૯ ઝડપાયા

રાજ્યના પોલીસવડાની સૂચના બાદ સક્રિય થયેલી શહેર પોલીસે હવે વાજબી કારણ વિના અને કરફયૂના સમયગાળા દરમિયાન બહાર નીકળનારાઓ સામે ગુના નોંધવાનું શરૂ કર્યું છે. એ અંતર્ગત મંગળવારે જુદા જુદા પોલીસ મથક હેઠળના વિસ્તારોમાં કુલ ૬૯ ગુનાઓ નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.