નડિયાદમાં દિવસેને દિવસે પાર્કિંગની સમસ્યા વધતી જાય છે. લોકો રસ્તા પર આડેધડ પાર્કિંગ કરતાં રાહદારીને તહેવારોના ટાણે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આટલે ન અટકતા તંત્રની કાર્યવાહી પણ શૂન્યાવકાશ હય લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. નડિયાદમાં છેલ્લા કેટલાય સમયથી આડેધડ પાર્કિંગની સમસ્યા સ્થાનિકો માટે માથાનો દુઃખાવો બની છે. શહેરના મુખ્ય માર્ગો પર લોકો આડેધક વાહનો પાર્ક કરતા હોવાથી સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. શહેરના ઘોડિયાબજારથી સ્ટેશન સુધીનો માર્ગ, બસ સ્ટેશનથી સંતરામ થઈ પારસ સર્કલ સુધીનો રોડ, મીલ રોડથી સરદાર ભવન અને વાણીયાવડથી ડેરી રોડ તરફના માર્ગ પર આડેધડ પાર્કિંગનો સીલસીલો યથાવત છે. જેના કારણે રાહદારીઓ ઉપરાંત વાહનચાલકોને ભારે અગવડતાનો સામનો કરવો પડે છે. લોકો દ્વારા અયોગ્ય રીતે વાહનો પાર્ક કરી દેવાતા રાહદારીઓને ચાલવામાં મુશ્કેલીઓ પડી રહી છે. તંત્ર આ મુદ્દે ખૂબ જ પછાત સાબિત થઈ રહ્યુ છે. શહેરના સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પણ આયોજન કે ચોક્કસ સુવિધાઓ ઉભી ન કરતા અંતે તહેવારોના દિવસોમાં નાગરિકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. આ મુદ્દે તંત્ર દ્વારા ચોક્કસ આયોજનો નક્કી કરી શહેરમાં વાહનો પાર્ક કરવા મુદ્દે ગાઈડલાઈન જાહેર કરાય અને આડેધડ પાર્કિંગ કરનારા લોકો સામે કાર્યવાહી કરાય તેવી માગ પ્રબળ બની છે.