વડોદરા : શહેરમાં ૪૦મી રથયાત્રા અંગે આજે યોજાયેલી બેઠકમાં કોરોનાની ગાઈડલાઈનના ચુસ્ત અમલ સાથે બપોરના બદલે સવારે રથયાત્રા સંપન્ન કરવાનો નિર્ણય કરાયો હતો. જાે કે, બેઠકમાં સંમતિ આપનાર ઈસ્કોન મંદિરના મહંતનો બાદમાં સૂર બદલાયો હતો અને ગાઈડલાઈનની દરેક શરતોનું પાલન કરવું સમયમર્યાદાના અભાવે શક્ય નહીં હોવાનું જણાવી જેટલી પૂરી કરી શકાશેુ એટલી કરી રથયાત્રા તો નીકળશે જ એમ નિત્યાનંદે જણાવ્યું હતું

કોરોનાની મહામારીના કારણે આ વર્ષે ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રા અષાઢી બીજના દિવસે બપોરે ૨.૩૦ વાગે નગરચર્યાએ નીકળવાને બદલે સવારે ૯ કલાકે સ્ટેશન ખાતેથી પરંપરાગત માર્ગો ઉપર નગરચર્યાએ નીકળશે. રાજ્ય સરકાર દ્વારા કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવા સાથે રથયાત્રાને મંજૂરી આપવામાં આવતાં રથયાત્રા બેથી અઢી કલાકમાં એટલે ૧૧ કલાકે સંપન્ન કરી દેવામાં આવશે. ઇસ્કોન મંદિર દ્વારા અષાઢી બીજના દિવસે ૪૦મી રથયાત્રા કાઢવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રથયાત્રાને મંજૂરી મળતાં ઈસ્કોન મંદિરના સંતો તેમજ શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જાેવા મળ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે રથયાત્રા કાઢવાની મંજૂરી આપ્યા બાદ આજે ઇસ્કોન મંદિર ખાતે રથયાત્રાનો સમય અને રૂટ નક્કી કરવા માટે બેઠક મળી હતી. આ બેઠકમાં મંદિરના સંતો, રાજ્યના મંત્રી યોગેશ પટેલ, પોલીસ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. મરેથોન ચર્ચા બાદ પરંપરાગત રીતે બપોરે અઢી વાગે સ્ટેશન ખાતેની નીકળતી રથયાત્રાના સમયમાં ફેરફાર કરીને સવારે ૯ કલાકે કાઢવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. તે ઉપરાંત રથયાત્રા ૧૧ વાગ્યા સુધીમાં પરંપરાગત રૂટ ઉપર ફરીને બગીખાના ખાતે સંપન્ન કરવાનો ર્નિણય બેઠકમાં લેવામાં આવ્યો હતો.

ઇસ્કોન મંદિરના મહંત નિત્યાનંદજીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ૧૨ જુલાઇ અષાઢી બીજના દિવસે રથયાત્રા કાઢવાની મંજૂરી આપવામાં આવતાં મંદિરના સંતો અને શહેરીજનોમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું છે. કોરોનાની મહામારીના કારણે રથયાત્રાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રથને ખેંચવા માટે મંદિરના સેવકોની યાદી તૈયાર કરવામાં આવી છે. રથ ખેંચનાર તમામના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે તેમજ જે લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા હશે તેઓને જ રથ ખેંચવાની ટીમમાં સમાવેશ કરવામાં આવશે. રથયાત્રા દરમિયાન ભીડભાડ ન થાય તે માટે પોલીસતંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્તનું આયોજન રહેશે.

રથયાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે

રાજ્યના મંત્રી યોગેશ પટેલે જણાવ્યું હતું કે, વડોદરામાં ઇસ્કોન મંદિર દ્વારા કાઢવામાં આવતી ભગવાન શ્રી જગન્નાથની યાત્રા આ વખતે પણ નીકળશે. સરકાર દ્વારા કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવા સાથે રથયાત્રા કાઢવા માટે મંજૂરી આપવામાં આવી છે. રથયાત્રા જે બપોરના સમયે નીકળતી હતી, તેના બદલે સવારે ૯ વાગે નીકળશે અને ૧૧ વાગ્યા સુધીમાં પૂરી કરી દેવામાં આવશે. પોલીસતંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે અને રથયાત્રા પરંપરાગત રૂટ ઉપર જ નીકળશે.