રાજકોટ-

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન SCA ફરી વિવાદમાં આવ્યું છે. પૂર્વ ક્રિકેટર નિખિલ રાઠોડ દ્વારા SCA અને BCCIમાં ફરિયાદ કરવામાં આવી છે. જેમાં SCAમાં પદનું દુષણ, તેમજ SCAના હોદ્દેદારોની માલિકીની હોટેલમાં જ ક્રિકેટ ટીમને ઉતારો આપવામાં આવે છે. તેમજ હોટેલોમાં ઉંચા ભાવના બિલ બનાવીને તગડી રકમ પડવામાં આવે છે. આ પ્રકારના ગંભીર આક્ષેપ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન વિરુદ્ધ થતા હાહાકાર મચી જવા પામી છે.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનમાં પ્રમુખ જયદેવ શાહ પૂર્વ પ્રમુખ નિરંજન શાહના પુત્ર છે. જ્યારે ટ્રેઝરર તરીકે પૂર્વ ખજાનચી નીતિન રાયચુરાના પુત્ર શ્યામ રાયચુરા છે. આ અંગે અગાઉ પણ હાઈકોર્ટમાં નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. રાયચુરા પરિવાર દ્વારા હોટેલ ફર્નનું સંચાલન કરવામાં આવે છે અને ત્યાં જ વિઝીટિંગ ક્રિકેટરના ઉતારા થાય છે અને આ રીતે લાભના પદ સમાન લાભનો દુરુપયોગ થાય છે. BCCI દ્વારા અલગ અલગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે, ત્યારે અહી આવનાર તમામ ટીમને આજ હોટેલમાં ઉતારવામાં આવે છે. આ હોટેલનું બિલ ખૂબ જ વધારીને વસૂલ કરવામાં આવે છે અને પાસ પણ થઈ જાય છે. 

તો વિવાદ અંગે એસોસિયેશનના સેક્રેટરી હિંમાશું શાહે કહ્યું કે, અમારી પાસે આ અંગે ઓફિશિયલ મેઈલ આવશે તો અમે તેનો જરૂરી ખુલાસો આપીશું. નવા કોન્સ્ટિટ્યૂશન મુજબ સૌરાષ્ટ્ર એસોસિયેશન એવી તકેદારી રાખે છે કે કોઈ વિવાદ નથાય. બીસીસીઆઈની ગાઈડલાઈન મુજબ, હાલ જે સૈયદ મુસ્તાક અલી ટ્રોફી રમાનાર છે તે માટે પ્લેયર્સ આવ્યા છે. અમારે એસઓપી મુજબ તેઓને ઉતારા આપવા પડે છે. આ ફરિયાદ અમારા સુધી પહોંચશે ત્યાર બાદ જવાબ આપીશું.