ભાવિક વાઢણકર, તા.૧૧

છાણ અને ગોમૂત્રથી લીપેલી ફર્શ પર એ સૂતા હતા. શાંત-સૌમ્ય ચહેરો. માથા પાસે દીવો સળગી રહ્યો હતો. ઘરમાં ઠાંસોઠાંસ ભરેલો શોક અને હમણાં જ થોડીવાર પહેલાં થયેલી રોકકળના પડઘા હજુ કમરામાં ગૂંજી રહ્યા હતા.

એકનો એક દીકરો હોવાના નાતે સ્વાભાવિક રીતે જ એ પિતાના આકસ્મિક દુઃખદ નિધનથી ભાંગી પડયો હતો. એ પિતાજીના મૃતદેહ પાસે બેઠો હતો. એને વારંવાર ભ્રમ થતો હતો કે જાણે પિતા એને કહી રહ્યા હતા કે, હું અત્યારે નહીં સાંજે તને સાઈકલ પર ફરવા લઈ જઈશ. ભીની આંખે દીકરાએ પિતાના ચહેરા પર હેતથી હાથ ફેરવ્યો, જેની આંગળી ઝાલીને એ ચાલતા શીખ્યો હતો એ પ્રેમાળ પિતાને એણે આવતીકાલે સવારે કાંધ દેવાની હતી એ વિચારમાત્રથી એનાથી ડૂસકું મુકાઈ ગયું.

એને યાદ આવ્યું કે એ માંડ ચાર-પાંચ વર્ષનો હતો અને સવારે નોકરી જવા નીકળતાં પિતાની સાથે જવા માટે એ રીતસર રડતો. એને સમજાવીને બીજા કમરામાં લઈ જવાતો. પણ જેવા પિતા ઘરની બહાર નીકળી સાઈકલને પેન્ડલ મારે કે ગમે તેમ કરી એ બહાર દોડી આવતો અને પોળના નાકા સુધી એ રડતાં... રડતાં... પિતાની સાથે જવા એ એમની સાઈકલ પાછળ દોડતો... પિતા ગીરદીમાં ભળી જતાં અને દેખાતા બંધ થાય ત્યાં સુધી એ રડતાં... રડતાં... એ દિશામાં તાક્યા કરતો.

આજે પિતાજી કાયમ માટે ચાલ્યા ગયા હતા, ફરી ક્યારેય પાછા નહીં ફરે એ રીતે.

નાનકડી દીકરીએ દોડી આવી એને હચમચાવી નાખ્યો ત્યારે એને ખ્યાલ આવ્યો કે ભૂતકાળના સ્મરણ દરમિયાન એ અજાણપણે ધ્રૂસકે ધ્રૂસકે રડી રહ્યો હતો. બધાએ એને સાંત્વના આપી શાંત કર્યો. મૃત્યુ એ કુદરતીક્રમ છે જેવી પરંપરાગત સમજાવ્યા બાદ થોડો સ્વસ્થ થઈ એ ઘટના આંગણામાં આવ્યો.

બહાર ટોળે વળીને બેઠેલા નજીકના સગાંસંબંધીઓ અને એના અંગત મિત્રો વચ્ચે આવીને એ બેઠો. કાલ સવારની સ્મશાનયાત્રાની પૂર્વતૈયારીનો ક્યાસ કઢાયો. મિત્રોએ કહ્યું, તું ચિંતા ન કર... બધી જ વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે. એના ચહેરા પર રાહત ડોકાઈ, થોડીવાર પછી એ ઊભો થઈ ફરી ઘરમાં આવ્યો.

વચ્ચોવચ કાયમ માટે પોઢેલા પિતાના ચરણ તરફ ઊભો રહી એ પિતાના ચહેરાને તાકી રહ્યો હતો. અચાનક એને લાગ્યું કે બધું ગોળ-ગોળ ફરી રહ્યું છે એને ચક્કર આવી રહ્યા છે એનો ખ્યાલો આવે એ પહેલાં તો એણે સમતોલપણુ ખોયું અને પિતાના મૃતદેહની નજીક જ એ ધડામ દઈને ફસડાયો.

અવાજ સાંભળતાં જ બધાનું ધ્યાન એના તરફ ગયું. બધા દોડી આવ્યા, એને થપથપાવ્યો, એના નામની બૂમો પાડી, બેહોશ થઈ ગયાનું માની એના ચહેરા પર પાણી છંટાયું. રૂમાલથી પવન નંખાયો, પણ એ ઊઠ્યો જ નહીં, એ પણ પિતાની જેમ જ કાયમ માટે પોઢી ગયો હતો. હૃદયરોગના જીવલેણ હુમલાએ એને કાયમ માટે શાંત કરી દીધો હતો.

નાનપણમાં પિતાની સાથે જવા માટે જીદ કરતો એમ આજે પણ એ પિતાની સાથે જવા ભૂલોકથી સ્વર્ગલોક તરફ એમની પાછળ પાછળ દોડી ગયો હતો.

વડોદરાની એક આ સત્ય ઘટના છે.

જેમા શહેરના વાડી વિસ્તારમાં આવેલ પોમલી ફળીયાના ચંદન કોમ્પલેક્ષમા રહેતા સલાટ પરિવાર પર આભ તુટી પડયુ છે. શહેરના આકરણી શાખામા ફરજ બજાવતા પ્રવિણચંદ્ર સલાટ નિવૃત જીવન ગુજારતા હતા. તેમને સંતાનમાં બે દિકરીઓ અને એક દિકરો હતો. જેમાં એક દિકરી પિંકીનુ આજથી ચાર પાંચ વર્ષ પહેલા મરણ થયુ હતુ. તથા બીજી દીકરી હીનાબેન અને કેતનભાઇ સલાટ બંન્ને ભાઇ બહેન હતા. હીનાબેનનુ લગ્ન થઇ ગયુ હોવાથી તે તેમના પતિ સાથે ભરુચ ખાતે રહે છે જયારે કેતનભાઇ સલાટ પણ લગ્નગ્રથિથી જાેડાયેલા હતા. તેમના પરિવારમાં પણ તેમની પત્ની પ્રતિક્ષા સલાટ અને તેમની પુત્રી ભુમી સલાટ છે. પ્રવિણચંદ્ર સલાટની પુત્રી હીનાબેનના જણાવ્યા અનુસાર મારા પિતાની તબીયત કેટલાક દિવસોથી નાદુરસ્ત રહેતા તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનુ ટુંકી સારવાર દરમ્યાન તેમનુ મોત નિપજ્યુ હતુ. ત્યારબાદ પ્રવિણચંદ્ર સલાટના પુત્ર કેતનભાઇ સલાટ તેમના પિતાના મૃતદેહ લઇને વાડી વિસ્તરમાં તેમના ઘરે લાવ્યા હતા. તેમણે તેમના પરિવારજનોને અને સગાસંબંધીઓને જાણ કરી હતી કે પિતાનુ મરણ થયેલુ છે જેથી પરિવારજનો અને સગાસંબંધીઓ વાડી વિસ્તારમાં મરણ પામેલ પ્રવિણચંદ્ર સલાટના ઘરે આવ્યા હતા. એક તરફ તેમના અગ્નિસંસ્કારની બધી તૈયારીઓ થઇ રહી હતી.પુત્ર કેતન ચિંતાગ્રસ્ત જણાતો હતો.ઘરની બહાર ઉપસ્થિત સગાસંબંધીઓ અને મિત્રો સાથે અંતિમસંસ્કાર અંગે તમામ વાત કરી કેતન ઘરમાં આવ્યો હતો અને પિતાના મૃતદેહ સમક્ષ ઉભો હતો. અચાનક જ તેને આંખે અંધારા આવ્યા અને એ ધડામ કરીને પિતાના મૃતદેહની પાસે જ પડી ગયો હતો. અવાજ સાંભળીને સફાળા જાગેલા પરિવારજનો અને સગાસંબંધીઓ કેતનભાઇ સલાટને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ ગયા હતા.તબિબોએ ચકાસણીના અંતે પુત્ર કેતનને પણ મૃત ઘોષિત કરતા પરિવાર પર આભ તુટી પડ્યુ હતું. કેતનભાઇ સલાટના બહેને મારા ભાઇ કેતનને આઘાત લાગ્યો જેથી તે મૃત્યુ પામ્યો છે તેમ જણાવીને ઢુસકેને ઢુસકે રડવા લાગ્યા હતા. એક તરફ હજીતો પિતાના અંતિમ સંસ્કારની તૈયારી થઈ રહી હતી ત્યાં જ જુવાનજાેધ પુત્રની પણ ઠાઠડીનો સામાન મંગાવવાની હ્રદયદ્રાવક સ્થિતિ સર્જાઈ હતી. મરણ પામેલ પ્રવિણચંદ્ર સલાટના મૃતદેહને તેમની પુત્રી હિનાબેને અગ્નિસંસ્કાર આપ્યો હતો જયારે પ્રવિણચંદ્રના પુત્ર કેતનભાઇ સલાટને તેમની પુત્રી ભુમીએ ભીની આંખે બંન્ને દિકરીઓએ પોતાના પિતાઓને અગ્નિસંસ્કાર આપ્યો હતો.